– મેઘા-ટ્રોપિક્સ-1 ને 2011માં લોન્ચ કરાયો હતો
– 1,000 કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ 100 વર્ષ સુધી રહી શકવાની ક્ષમતા ધરાવે છે
ઈસરો તેના એક અતિ મહત્વપૂર્ણ મિશન પર કામ કરી રહ્યું છે. ઈસરો તેના કાર્યકાળને પૂરો કરી ચૂકેલા હવામાન ઉપગ્રહ મેઘા-ટ્રોપિક્સ-૧ (એંમટી૧)ને પૃથ્વીની નીચલી કક્ષામાં પ્રવેશ કરાવવા માટેની તૈયારી કરી રહ્યું છે. જે બાદ તેને તોડીને પ્રશાંત મહાસાગરમાં પાડવામાં આવશે.
મેઘા ટ્રોપિક્સ-૧ને ૧૨ ઓક્ટોબર,૨૦૧૧ના રોજ ઉષ્ણકટિબંધીય હવામાન અને જળવાયુના અભ્યાસ માટે ઈસરો અને ફ્રાંસની અંતરીક્ષ એજન્સી સીએનઈએસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉપગ્રહ મિશનનો કાર્યકાળ ૩ વર્ષનો હતો. પરંતુ, આ ઉપગ્રહે એક દશક સુધી સેવા આપી હતી.
એમટી-૧ ઉપગ્રહને તેના કાર્યકાળના સમાપન બાદ સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટર એજન્સી સ્પેસ ડેબરીસ કો-ઓર્ડિનેશન કમિટીના નિર્દેશો મુજબ, પૃથ્વીની નીચલી કક્ષામાંથી હટાવવાનો છે. એજન્સીના નિયમો અનુસાર, તેને એવી કક્ષામાં લાવવાનો છે કે, તેનો લાઈફટાઈમ ૨૫ વર્ષથી ઓછો થઈ જાય.
એક અનુમાન અનુસાર, લગભગ ૧,૦૦૦ કિલોગ્રામ વજનનો ઉપગ્રહ મેઘા ટ્રોપિક્સ ૮૬૭ કિલોમીટરની ઊંચાઈ પર ૧૦૦ વર્ષ જેટલું રહી શક્યો હોત. આ ઉપગ્રહમાં મિશન સમયે ભરવામાં આવેલા ઈંઘણમાંથી કુલ ૧૨૦ કિલોગ્રામ જેટલું ખર્ચ થઈ શક્યું નહતું. તે માટે જ આ ઉપગ્રહને પ્રશાંત મહાસાગરના એક નિર્જન સ્થળ પર તોડવાની યોજના બનાવવામાં આવી છે