બાળકના હૃદયમાં સફળ બલૂન ડાઈલેશન કરાયું
28 વર્ષીય ગર્ભવતી દર્દીને ગત 3 ગર્ભાવસ્થા નુકસાન બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
એઈમ્સમાં દિલ્હીમાં એક માતાના ગર્ભમાં દ્રાક્ષના આકારના બાળકના હૃદયમાં સફળ બલૂન ડાઈલેશન કરાયું. એક 28 વર્ષીય ગર્ભવતી દર્દીને ગત 3 ગર્ભાવસ્થા નુકસાન બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ડૉક્ટરોએ બાળકના હૃદયની સ્થિતિ વિશે માતા-પિતાને જાણ કરી તો તેમણે ડાઈલેશનની સંમતિ આપી અને વર્તમાન ગર્ભાવસ્થાને જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના પછી ડાઈલેશનની પ્રક્રિયા એઈમ્સ કાર્ડિયોથોરેસિક સાયન્સ સેન્ટરમાં કરાઈ હતી. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ભ્રૂણ ચિકિત્સા નિષ્ણાતોની ટીમે ડાઈલેશનની સફળ પ્રક્રિયા કરી હતી. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પણ ડૉક્ટરોની ટીમને શુભેચ્છા પાઠવી હતી.
હવે બાળકના હૃદયનો વિકાસ સારી રીતે વિકાસ થશે
એઈમ્સના પ્રસુતિ તથા સ્ત્રી રોગ વિભાગની સાથે કાર્ડિયોલોજી અને કાર્ડિયાક એનેસ્થિસિયા વિભાગના ડૉક્ટરોની ટીમ અનુસાર આ પ્રક્રિયા બાદ ગર્ભ અને માતા બંને ઠીક છે. ડૉક્ટરોની ટીમ ગર્ભના વિકાસ પર નજર રાખી રહી છે. ટીમે જણાવ્યું કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે અમુક ગંભીર પ્રકારના રોગોનું નિદાન કરી શકાય છે. ક્યારેક ક્યારેક ગર્ભમાં તેમની સારવાર કરવાથી જન્મ બાદ બાળકના દૃષ્ટિકોણમાં સુધારો થઈ શકે છે અને સામાન્ય વિકાસ થઈ શકે છે. આ પ્રક્રિયાને બાળકના હૃદયમાં એક અવરોધિત વાલ્વનું બલૂન ડાઈલેશન કહેવાય છે. આ પ્રક્રિયા અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શન હેઠળ કરાય છે. સર્જરી કરનાર વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે અમે માતાના પેટના માધ્યમથી બાળકના હૃદયમાં એક સોય નાખી. પછી એક બલૂન કેથેટરનો ઉપયોગ કરીને લોહીના પ્રવાહમાં સુધારા માટે વાલ્વ ખોલી નાખ્યો. અમે આશા રાખીએ છીએ કે બાળકના હૃદયનો હવે સારી રીતે વિકાસ થશે અને હૃદય રોગ જન્મના સમયે ઓછો ગંભીર રહેશે.
ફક્ત 90 સેકન્ડમાં સફળ સર્જરી
ડૉક્ટરોએ કહ્યું કે આ પ્રકારની પ્રક્રિયાથી ભ્રૂણના જીવનનો ખતરો હોઈ શકે છે અને તેને અત્યંત સાવચેતીપૂર્વક કરવું જોઈએ. એઈમ્સમાં કાર્ડિયોથોરેસિક સાયન્સની ટીમના વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે સામાન્ય રીતે તમામ પ્રક્રિયા અમે એન્જિયોગ્રાફી હેઠળ કરીએ છીએ પણ આ કેસમાં આવું ન થઈ શકે. એટલા માટે તમામ પ્રક્રિયા અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શન હેઠળ કરાઈ છે. અમે હૃદયના મુખ્ય કક્ષને પંચર કરવા જઈ રહ્યા હતા એટલા માટે બધુ જ ઝડપથી કરાયું. જો કંઈ પણ ખોટું થયું હોત તો બાળક મરી જાત. અમે આ કારનામું માત્ર 90 સેકન્ડમાં કર્યું હતું.