– 90 ટકા વિકસિત દેશો નીચો વૃદ્ધિદર નોંધાવશે
– છેલ્લા બે દાયકાનો સરેરાશ વૈશ્વિક વૃદ્ધિદર 3.8 ટકા હતો અને ચાલુ વર્ષે આ દર ત્રણ ટકાથી પણ નીચે રહે તેવી સંભાવના
– વિદેશી મૂડીરોકાણ સહિત મૂડીપ્રવાહનું વિભાજન જારી રહે તો વૈશ્વિક વૃદ્ધિની સંભાવનાને વધુ એક ફટકો પડશે.
વોશિંગ્ટન : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે વૈશ્વિક વૃદ્ધિદર ચાલુ વર્ષે ત્રણ દાયકાના નીચલા સ્તરે રહે તેવી સંભાવના છે. છેલ્લા બે દાયકા દરમિયાન સરેરાશ વૈશ્વિક વૃદ્ધિદર ૩.૮ ટકા રહ્યો હતો. તેમણે આ વાત આગામી સપ્તાહે આઇએમએફ-વર્લ્ડ બેન્કની બેઠક પૂર્વે કહી હતી. તેમણે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે ભૂરાજકીય તનાવ, ઊંચો ફુગાવો મજબૂત રિકવરી હજી પણ દૂર રહેવાની સંભાવના જોતા વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર નીચો રહી શકે છે.
આઇએમએફનો અંદાજ છે કે આગામી પાંચ વર્ષ સુધી વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર ત્રણ ટકાની આસપાસ રહી શકે છે. આમ આ વૃદ્ધિદર ૧૯૯૦ના દાયકા પછીનો સૌથી નીચો મધ્યમગાળાનો વૃદ્ધિદર હશે. જ્યારે છેલ્લા બે દાયકાની ૩.૮ ટકાની સરેરાશ કરતાં ઓછો હશે. આઇએમએફ આગામી સપ્તાહે વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક જારી કરશે ત્યારે તે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગે તલસ્પર્શી વિગતો રજૂ કરશે. આ વર્ષે ત્રણ ટકાથી પણ ઓછો વૃદ્ધિદર રહે તેવી સંભાવના છે. તેમા જાન્યુઆરીમાં ૨.૯ ટકાનો અંદાજ હતો, જે ઓગસ્ટની આગાહી કરતાં ૦.૨ ટકા વધારે છે.
જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે ૨૦૨૩માં ઇમર્જિંગ ઇકોનોમીઝ ભારત અને ચીનની આર્થિક કામગીરી જ મહત્વની છે. તે વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરનો અડધ હિસ્સો ધરાવતા હશે. આઇએમએફનું માનવું છે કે અમેરિકા અને યુરોપ ધીમા પડી રહ્યા છે, જ્યાં વ્યાજદર ઊંચો છે તથા માંગ પર ભાર છે. એડવાન્સ્ડ ઇકોનોમીઝ એટલે કે વિકસિત રાષ્ટ્રોમાં ૯૦ ટકા આ વર્ષે વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાવે તેમ મનાય છે.
તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે અમેરિકામાં સિલિકોન વેલી બેન્ક નિષ્ફળ ગઈ, ક્રેડિટ સ્યુઇસનો ધબડકો થયો જેના પગલે યુબીએસે તેને ઉતાવળે હસ્તગતે કરવી પડી.
આમ નાણાકીય દબાણ જ્યાં સુધી જળવાશે ત્યાં સુધી મધ્યસ્થ બેન્કો વ્યાજદરમાં વધારો કરવાનું જારી રાખશે, જેથી ફુગાવો નીચે લાવી શકાય.
પણ આ જ સમયે તેમણે જણાવ્યું હતું કે વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ તરલતાનો ઉકેલ લાવ્યા પછી નાણાકીય સ્થિરતાના મોરચે કામગીરી કરવી પડશે. તેથી અહીં બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયુશન્સના જોખમો પર નજર કરી જવી જરુરી છે. તેની સાથે કોમર્સિયલ રિયલ એસ્ટેટ સેક્ટર જેવા સેક્ટરોની નબળાઈ પણ જોઈ લેવી જરુરી છે. તેમણે જણાવ્યું હતું કે ફક્ત બેન્કો જ નહીં નોન બેન્કિંગ નાણાસંસ્થાઓ (એનબીએફસી)એ પણ સાવચેત રહેવાની જરુર છે.
જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે ઊંચા વ્યાજદરની સ્થિતિમાં તરલતાના અભાવે બેન્કો નિષ્ફળ જઈ શકે છે. તેથી બેન્કોમાં ંમોનિટરિંગ જરુરી છે. તેની સાથે તેમણે વૈશ્વિક વેપારમાં વૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. આઇએમએફના રિસર્ચના આંકડા દર્શાવે છે કે વૈપાર વિભાજનનો લાંબા ગાળાનો ખર્ચ વૈશ્વિક જીડીપીના સાત ટકાના દરે આંબી જઈ શકે છે. હવે જો ટેકનોલોજીકલ ડીકપલિંગ ઉમેરાય તો કેટલાક દેશો જીડીપીના ૧૨ ટકા જેટલી ખોટ દર્શાવી શકે.