ગુજરાતના 50 ટકા મેડિકલ સ્ટોર્સ ડ્રગ્સ એક્ટનો ભંગ કરી ફાર્માસિસ્ટની હાજરી વિના ધમધમી રહ્યા છે. છતાં આરોગ્ય વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. હપ્તાબાજી અને તોડમાં લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. ડ્રગ્સ કમિશનરેટના કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે દવાના કાયદાઓને નેવે મૂકીને શંકાસ્પદ વેપાર થઈ રહ્યો છે. રાજ્યના અંદાજે 40 હજાર કરતાં વધુ મેડિકલ સ્ટોર પૈકી 35 ટકા પાસે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ નથી. 95 ટકા મેડિકલ સ્ટોર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના બેફામપણે દવાઓ વેચી રહ્યા છે, જે કાયદાનું સદંતર ઉલ્લંઘન છે. રાજ્યના મોટાભાગના મેડિકલ સ્ટોરમાં આવી પ્રવૃત્તિ ચાલે છે અને તેની જાણ ડ્રગ્સ કમિશનરેટના અધિકારીઓને હોવા છતાં પગલાં લેવાતા નથી. રાજ્યમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોની ભારે અછતના કારણે આ નિયમિતપણે સરપ્રાઇઝ ચેકિંગ પણ થતું નથી.કેટલાક અધિકારીઓ રાજકીય લોબીમાં વર્ચસ્વ ધરાવતા હોવાથી નિવૃત્તિ પછી તેઓ અનેક એક્સટેન્શન લઈ આવ્યા છે અને પોતાની ખુરશી સલામત રાખી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ વિભાગ પર સરકાર કે આરોગ્ય મંત્રીનું કોઈ નિયંત્રણ નથી. તપાસ કરતાં જાણવા મળ્યું છે કે કેટલાક તોડબાજ અધિકારીઓ પોતાની દુકાન ચાલુ રહે તે માટે આ વિભાગમાં નવી ભરતી કરવા દેતા નથી.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં :
મેડિકલ સ્ટોરમાં એકપણ ધારાધોરણ કે નિયમોનું પાલન થતું નથી. આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ફાર્માસિસ્ટ વિના ચાલતા મેડિકલ સ્ટોર ક્યારેક ગંભીર પરિણામ સર્જી શકે છે. નિયમ એવો છે કે મેડિકલ સ્ટોર ચલાવવો હોય તો ફાર્માસિસ્ટની લાયકાત હોવી જરૂરી છે. પરંતુ સામાન્ય વેપારીઓ ફાર્માસિસ્ટનું સર્ટિફિકેકેટ રાખીને ધંધો કરતા હોય છે. આવા સ્ટોરમાં ડ્રગ્સ કચેરીના અધિકારીઓના હપ્તા બાંધી દેવામાં આવે છે.ફાર્માસિસ્ટ વિના દવાની દુકાન ચલાવનાર સંચાલકો સામે ગયા વર્ષે જ ફાર્મસી ઍક્ટમાં સુધારો કરીને કેન્દ્ર સરકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે નિયમોના ઉલ્લંઘન બદલ એક લાખથી બે લાખ રૂપિયાનો દંડ અને ત્રણ મહિનાની જેલની સજા ઉપરાંત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આ દંડથી બચવા મેડિકલ સ્ટોરના સંચાલકો ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોને હપ્તા બાંધી આપે છે.કેન્દ્ર સરકારના મંત્રાલયના આદેશથી તમામ મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે. પરંતુ આ નિયમનું પાલન ગુજરાતમાં થતું નથી. સરકાર એવો દાવો કરે છે કે લોકોના આરોગ્યની સુરક્ષાની જવાબદારી અમારી છે પરંતુ મેડિકલ સ્ટોરમાં ચાલતી લાલિયાવાડીથી સાબિત થાય છે કે સરકારને લોકોના આરોગ્યની પડી નથી. માત્ર કરપ્શન અને હપ્તાબાજીથી આખા વિભાગનો વહીવટ થાય છે.