Pakistan Cricket Team Coach Gary Kirsten Resign : પાકિસ્તાન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની T20 અને વનડે ટીમના કોચ ગેરી કર્સ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) દ્વારા કર્સ્ટનને એપ્રિલ 2024 માં બે વર્ષના કરાર પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેના છ મહિના પછી તેણે પદ છોડી દીધું છે. પરંતુ અહીં નવાઈની વાત એ છે કે હજુ સુધી કર્સ્ટને એક પણ વનડે મેચમાં કોચિંગ કરી નથી. કર્સ્ટનના કોચિંગ હેઠળ ભારતીય ટીમે વર્ષ 2011નો ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો.
શું છે ગેરી કર્સ્ટનના રાજીનામાનું કારણ?
PCBએ ગેરી કર્સ્ટન પાસેથી ટીમ પસંદગીના અધિકારો છીનવી લીધા હતા. આ અધિકારો માત્ર પસંદગી સમિતિ પાસે હતા. જેનો હવે કર્સ્ટન ભાગ રહ્યો નથી. આ કારણે કર્સ્ટન ગુસ્સામાં હોવાનું કહેવાય છે. મોહમ્મદ રિઝવાનને ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં પણ કર્સ્ટનનો અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો. હજુ સુધી કર્સ્ટને કોઈ સાર્વજનિક નિવેદન આપ્યું નથી.
પસંદગી સમિતિમાંથી કોચને બહાર કરાયો
ગેરી કર્સ્ટન વર્તમાન પસંદગી સમિતિના વધતા પ્રભાવને કારણે એકલતા અનુભવી રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ PCBએ નવી પસંદગી સમિતિની જાહેરાત કરી હતી. 3 મહિનામાં ત્રીજી વખત આવું બન્યું હતું. જેમાં આકિબ જાવેદ, અલીમ દાર, અઝહર અલી, અસદ શફીક અને હસન ચીમા સામેલ હતા. જ્યારે કોચ અને કેપ્ટનને પસંદગી સમિતિમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
નવા કેપ્ટનની જાહેરાત સમયે કર્સ્ટન દેશમાં હતો જ નહી
પાકિસ્તાની ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જાવાની છે. પરંતુ ટીમ અને નવા કેપ્ટનની જાહેરાત કરવામાં વિલંબ થયું હતું. જેનું મુખ્ય કારણ બોર્ડની અંદર ચાલી રહેલો વિખવાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કર્સ્ટન ઇચ્છતો હતો કે તેના સૂચનોને ધ્યાનમાં લેવામાં આવે. જ્યારે ટીમના નવા કેપ્ટન મોહમ્મદ રિઝવાનની જાહેરાત કરવામાં આવી ત્યારે કર્સ્ટન દેશમાં હતો જ નહી.
ગેરી કર્સ્ટનની ક્રિકેટ કારકિર્દી
દક્ષિણ આફ્રિકા ગેરી કર્સ્ટને 101 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 45.27ની સરેરાશથી 7289 રન બનાવ્યા હતા. અને વન ડેમાં પણ કર્સ્ટને 185 વનડે મેચ રમી અને 6798 રન બનાવ્યા હતા. જેમાં 13 સદી અને 45 અડધી સદી સામેલ છે.