Tamil Nadu Language Controversy: તમિળ અને હિન્દીને ભાષાને લઈને મતભેદ અવાર-નવાર સામે આવતો રહે છે. ત્યારે તમિલનાડુમાંથી ફરી ભાષાને લઈને નવો વિવાદ ઉભો થયો છે. ડીએમકે નેતા અને રાજ્યસભા સાંસદ એમએમ અબ્દુલ્લાએ શુક્રવારે (25 ઓક્ટોબર) કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂના હિન્દીમાં લખેલાં પત્રનો તમિળમાં જવાબ આપતા કહ્યું કે, મને પત્રનો એકપણ શબ્દ સમજ નથી પડી. જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રીનો પત્ર ટ્રેનમાં ભોજનની ગુણવત્તા અને સફાઈ સંબંધિત ઉઠાવવામાં આવેલાં પ્રશ્ન સંબંધિત લખવામાં આવ્યો હતો.
હિન્દી નથી સમજી શકતોઃ અબ્દુલ્લા
સોશિયલ મીડિયા પર બંને પત્રોનો એક ફોટો શેર કરતાં અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્રીય રાજ્ય મંત્રીના કાર્યાલયમાં તૈનાત અધિકારીઓને ઘણીવાર યાદ અપાવ્યું છે કે, હું હિન્દી નથી સમજી શકતો. તેમ છતાં તેઓ હજું પણ એ જ ભાષામાં પત્ર લખીને મોકલે છે.
એક્સ પર તમિળમાં આપ્યો જવાબ
ડીએમકે સાંસદ દ્વારા એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, ‘રેલ રાજ્ય મંત્રીના કાર્યાલયથી આવનાર તમામ પત્ર હંમેશા હિન્દીમાં હોય છે. મેં તેમના કાર્યાલયમાં હાજર અધિકારીઓને ફોન કરીને કહ્યું કે, મને હિન્દી નથી આવડતી. મહેરબાની કરીને પત્ર અંગ્રેજીમાં મોકલો, પરંતુ પત્ર હિન્દીમાં હતો. મેં આ પ્રકારે જવાબ મોકલ્યો છે, જેનાથી તે સમજી શકે અને તે મુજબ કાર્ય કરી શકે.’
કેન્દ્રીય મંત્રીને તમિળમાં કરી વિનંતી
ડીએમકે સાંસદે કેન્દ્રીય મંત્રી બિટ્ટૂને તમિળમાં વિનંતી કરી કે, હવેથી તેમના પત્ર અંગ્રેજીમાં મોકલી શકે છે. આ પહેલાં 2022માં ડીએમકેએ પણ કેન્દ્ર પર પ્રહાર કરતાં તેમના પર હિન્દી થોપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પહેલાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, સ્થાનિક ભાષાની જગ્યાએ હિન્દીને અંગ્રેજીના વિકલ્પ રૂપે સ્વીકાર કરવો જોઈએ. ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે, આનાથી દેશની અખંડતાને નુકસાન પહોંચશે.