તપોભૂમિ નૈમિષારણ્યમાં આચાર્ય શ્રી કલ્પેશભાઈ મહેતાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે સવારના સત્રમાં ભગવાન વામન અને ભગવાન રામ અવતારની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રોતાઓ દ્વારા સુંદર વસ્ત્રો પરિધાન કરી બલિરાજા, વામન ભગવાન અને રામ ભગવાનની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.
ભાગવત કથાના સાતમા સ્કંધમાં આગળ વધતા જ્યાં ૮૮ હજાર ઋષિ મુનિઓને રોમહર્ષાણીએ ભાગવત કથા કહી હતી અને જે સ્થાન પર ૧૮ પુરાણોની ચર્ચા થઈ હતી તે નૈમિષારણ્ય તીર્થક્ષેત્રના વૃક્ષોમાં ભગવાનનો વાસ છે. તે જ રીતે પુષ્કરમાં જળ સ્વરૂપે, ગંડકી નદીમાં પાષાણ સ્વરૂપે અને બદ્રીનાથમાં શીલા સ્વરૂપે ભગવાન નિવાસ કરી રહ્યા છે. સોના, રૂપા અને લોઢાની અભેદ્ય નગરી બનાવી રહેતા મયાસુરનો ઉધ્ધારની કથા કહેવામાં આવી. ૧૮ પુરાણોનો સાર એટલો જ છે કે મન, વાણી અને કર્મથી કોઈનું અહીત ન કરવું, કોઈને પીડા ન આપવી, પાપ કર્મ ન કરવું અને પૂણ્ય કર્મ કરવું.આઠમા સ્કંધમાં મનવંતરલીલામાં ૧૪ મનવંતરોની ચર્ચા કરવામાં આવી. મનુ મહારાજની પુત્રી દેવહુતીના કપીલ મુનિ સાથે લગ્ન, ગજેન્દ્ર હાથીના મોક્ષની કથા, ભગવાન નારાયણે કાચબાનુ રૂપ ધારણ કરી પોતાની પીઠ પર મંદરાચલ પર્વતને રવૈયા તરીકે ધારણ કરી, વાસુકી નાગનું દોરડું બનાવી દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું તેની કથા, ભગવાન નારાયણે વામન રૂપ ધારણ કરી બલિરાજા પાસેથી બે ડગલાંમાં સ્વર્ગ અને પાતાળ લોક માંગી લિધા તેની કથા, મત્સ્યાવતારની કથા આઠમા સ્કંધમાં વર્ણવામાં આવી.નવમા સ્કંધમાં શ્રધ્ધાદેવીની ઇચ્છાથી ઈલા નામની પુત્રીનો જન્મ, વશિષ્ઠજી દ્વારા પુત્રીમાંથી પુત્ર સુધ્યુમ્નમાં પરિવર્તન, સહ્યાદતી રાજાની કુંવરી સુકન્યા દ્વારા અનાયાસે શૂળના કાંટાથી તપ કરતા ચ્યવન ઋષિની આંખો વીંધી નાખતાં તેના પ્રાયશ્ચિત રૂપે સુકન્યાના ચ્યવન ઋષિ સાથે લગ્ન અને બે અશ્વિની કુમારોના પ્રયત્નથી ચ્યવન ઋષિનું યુવાન બનવું, અમરીશ રાજા અને દુર્વાશા ઋષિની કથા, સગરરાજા, ભગીરથ રાજા અને ગંગાજીના પૃથ્વી પર અવતરણની કથા અને ભગવાન રામ અવતારની કથાનું વર્ણન કરવામાં આવ્યું. પુરાણોમાં અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણમાં વર્ણવામાં આવેલ જીવનના જુદા જુદા તત્વોનું વર્ણન કરવામાં આવ્યું.બપોર પછીની સેશનમાં રામનું ચરિત્ર, પરશુરામનું ચરિત્ર, દેવહુતી અને દેવયાનીનું ચરિત્ર, મહાભારતમાં શાંતનુ રાજાની કથા, ભીષ્મ પિતાની કથા, યદુવંશનું વર્ણન અને તેમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા વર્ણવામાં આવી. કૃષ્ણ ભક્તિ ગીત, ગરબા અને મટકી ફોડ કાર્યક્રમ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.