સ્માર્ટ સિટી અને આઈકોનિક રોડ બનાવી અમદાવાદને સિંગાપોર સાથે સરખાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તામંડળ ફક્ત દેખાડા પૂરતા પ્રયાસ કરે છે. તેનો એક નમુનો છે અમદાવાદના શેલા વિસ્તારમાં પડેલો મહાકાય ભુવો.. લોકો માટે માથાના દુ:ખાવા સમાન આ ભૂવો પડ્યાને 85 દિવસ થઈ ગયા છે. છતાં હજુ સુધી તેનું સમારકામ નથી થયું.. લાગે છે કે મુખ્યમંત્રી, ધારાસભ્યો અને નેતાગીરી પોતાના રાજકીય પક્ષના સભ્યોની સંખ્યાનો વિક્રમ બનાવના અભિયાનમાં વ્યસ્ત છે.
સ્થાનિકો ફરિયાદ કરીને થાક્યા, તંત્રનું ભેદી મૌન :
નોકરી-ધંધો કે રોજબરોજની દોડધામ અને પળોજળમાં વ્યસ્ત પ્રજાએ શરૂઆતમાં ઘણો વિરોધ કર્યો, પરંતુ હવે એ પણ વિરોધ કરીને થાકી ગઈ છે. પરંતુ પ્રશાસનના પેટનું પાણી પણ હલતું નથી.આ ભૂવો ક્યારે પૂરાશે, માર્ગ ક્યારે ખોલવામાં આવશે એ માટે શેલા વાસીઓ અને દુકાનદારોએ ઔડામાં રજૂઆત કરી છે. ધારાસભ્યને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ બધા ભેદી રીતે મૌન છે.શેલા-બોપલ જેવા વિસ્તારને અમદાવાદ શહેરમાં ભેળવી દેવાયા છે. પરંતુ રોડ, રસ્તા, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો સંપૂર્ણ અભાવ છે. શેલાના ક્લબ ઓ સેવન રોડ ઉપર 30મી જૂને મસમોટો ભૂવો પડ્યો હતો. ભૂવાના કારણે આ માર્ગ 45 દિવસ બંધ રહેશે એવું જાહેરનામું ઔડાએ નવમી જુલાઈએ જાહેર કર્યું હતું. પરંતુ ભૂવો પડયાને આજે 85 દિવસ થયા, છતા હજુ ભૂવો પુરી રસ્તો કાર્યરત નથી કરાયો.વૈકલ્પિક રોડ ‘વીઆઈપી’ના નામે ઓળખાય છે જે જૂન મહિનામાં ચોમાસાના આગમન પહેલાં જ ખોદી-સમારકામ કે નવો બનાવી નાખવામાં આવ્યો છે. એટલે એના ઉપર 24 કલાક ટ્રાફિક જામ જોવા મળે છે. અન્ય વૈકલ્પિક રોડ પણ ચોમાસાના કારણે તૂટી ગયા છે. ખાડાં વધારે છે અને સુગમ માર્ગ ઓછો.