ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે 21 સપ્ટેમ્બર 2024ના દિવસે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર મહિનાને ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ મંથ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે 21 સપ્ટેમ્બરે ગુજરાત સાયન્સ સિટી ખાતે ભારતએમડી સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે HAMC આયુર્વેદ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રચના જાજલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતએમડી ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના વડા શ્રીમતી મનીષા વૈદ્ય, ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઈઝેશન વિભાગના જનરલ મેનેજર વ્રજેશ પરીખ તેમજ મોટી સંખ્યામાં બીમારીનો સામનો કરી રહેલા ડીએમડી વોરિયર્સ, તેમના પરિવારજનો તથા અમદાવાદની માનસિક આરોગ્યની હોસ્પિટલના દર્દીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં ડીએમડી વોરિયર્સ અને તેમના પરિવારજનોને સંબોધન કરતાં ડો. રચના જાજલે જણાવ્યું કે આ બીમારી જન્મજાત હોય છે. બાળક ચાર પાંચ વર્ષનું થાય ત્યાર પછી આ બીમારીની જાણ થાય છે. આ બીમારીમાં મસલ્સ ધીમે ધીમે નબળા પડવા લાગે છે અને થોડા વર્ષો પછી બાળકના હાથ પગ કામ કરવાનું બંધ કરી દે છે અને બાળક વ્હીલચેર પર આવી જાય છે.