વડોદરાના મેયર પિન્કીબેન સોનીના નામથી અને ફોટો મૂકી કોઈ ભેજાબાજ દ્વારા વોટ્સએપ એકાઉન્ટ ખોલવામાં આવતા તેની જાણ મેયરને થતા તાત્કાલિક તેઓએ આ વોટ્સએપ એકાઉન્ટ બોગસ હોવાનું જણાવી કોઈએ પણ આ બોગસ એકાઉન્ટમાં ચેટિંગ કે નાણાકીય વ્યવહાર કરવો નહીં તેવી ચેતવણી આપી છે.અવારનવાર રાજકીય નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થતા હોય છે. તો કોઈકવાર ડુપ્લીકેટ એકાઉન્ટ પણ બનાવવામાં આવતા હોય છે. હવે ફેક વ્હોટસએપ એકાઉન્ટ પણ બનવાની ઘટના સામે આવી રહી છે. વડોદરાનાં મેયર પિન્કીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે, તેમનું નામ અને ફોટો રાખી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફેક વ્હોટસએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા લોકોને મેસેજ અને કોલ કરવામાં આવી રહ્યા છે. મેયર પિન્કીબેન સોની દ્વારા વિનંતી કરવામાં આવી છે કે, તેમના બનેલા ફેક વોટ્સએપ એકાઉન્ટથી કોઈપણ મેસેજ કે કોલ આવે તો તેનો જવાબ આપો નહીં અને નંબર બ્લોક કરવો. કોઈપણ પ્રકારની માંગણી થાય તો તેને અનુસરવી નહીં.