ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ) દ્વારા એક દિવસીય ‘વન વીક વન થીમ’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડો. જીતેન્દ્રસિંહ દ્વારા 24 જૂન 2024ના દિવસે ‘વન વીક વન થીમ (OWOT)’અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. જેનો હેતુ વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવવાનો છે.આ અભિયાન સાર્વજનિક કલ્યાણ અને લોકોના જીવન સ્તરને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયોગશાળાની સીમાથી આગળ વધીને વૈજ્ઞાનિક પ્રગતિને દર્શાવતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે. સિવિલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિરયિંગ (CIE) થીમ CSIRની 8 મુખ્ય થીમ પૈકીની એક છે.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આઈઆઈટી-ગાંધીનગરના પ્રોફેસર વિવેક કાપડિયા અને વિશેષ અતિથિ તરીકે એપિક કન્સેશન્સ લિમિટેડ, ચેન્નઈના હેડ ઓફ કોન્ટ્રાક્ટ્સ ડો. એસ્થર માલિની વિક્ટર ઉપસ્થિત રહ્યા હતા. જેમનું CSIR-CRRI, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો.મનોરંજન પરિદા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રો. મનોરંજન પરિદાએ પોતાના સંબોધનમાં OWOT અભિયાનના મહત્વ વિશે તેમજ સિવિલ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગમાં CSIRની સક્રિય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રકારની પહેલ કેવી રીતે અત્યાધુનિક શોધ અને સમાજમાં તેના વ્યાવહારિક અનુપ્રયોગો વચ્ચેનો તફાવત દૂર કરવામાં મદદ કરે છે તે અંગે તેમણે જણાવ્યું.