5 ઓગસ્ટ થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે વાત કરીએ રાજકોટનાં રમણીય સ્થળ એવા ઓસમ પર્વત ઉપર બિરાજમાન ટપકેશ્વર મહાદેવ મંદિરની, આ મંદિરની ખાસિયત છે કે, અહીં શિવલિંગ ઉપર કુદરતી રીતે જળાભિષેક થાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલા ઓસમ પર્વત પર આવેલું શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓમાં પ્રસિધ્ધ છે. લોક વાયકા મુજબ આ મંદિર મહાભારત કાળનું પૌરાણિક મંદિર છે.
બારેમાસ મંદિરમાં પાણી ટપકે છે: શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિરનાં પૂજારી વિનોદ પાઠકે આ મંદિર વિશે જણાવતા કહ્યું કે, ટપકેશ્વર મહાદેવનાં મંદિરમાં બારે માસ અવિરતપણે જળ ટપકતું હોવાથી શ્રી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. અહીંયા કુદરતી પ્રકૃતિમાં ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદભુત મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર છે. જ્યાં બારેમાસ લોકો આ શંકરના મંદિરના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. ટપકેશ્વર મહાદેવના દર્શન કરી ભાવવિભોર બનવાની સાથે અહીંનો અદ્ભૂત નઝારો જોઈ અભિભૂત થઈ જાય છે. પાટણવાવનાં સરપંચ પ્રવીણ પેથાણીનાં જણાવ્યા મુજબ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં પાટણવાવ ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવી ભક્તો પૂજા અર્ચના તેમજ આ મંદિરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે આ ધોરાજી તાલુકાના પાટણવાવમાં આવેલા ઓસમ પર્વત પર આવેલા શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવી ભક્તો પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
અહીં દર્શન માટે આવેલા પ્રવાસી જીજ્ઞાબેન ઉચાડ અને નિખિલ ઉચાડે જણાવ્યું હતું કે,પાટણવાવ ઓસમ પર્વત પર આવેલું આ ઐતિહાસિક મંદિર છે, ત્યારે આ સાથે આ પર્વત પર અનેક ઇતિહાસ જોડાયેલી છે, જેમાં ભીમની થાળી તથા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તેવું પણ પૌરાણિક માહિતીઓ સામે આવી છે. હાલમાં અહીં આવતા ભાવી ભક્તો દ્વારા શ્રી ટપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવી રહ્યો છે. પાટણવાવ તેમજ આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓના ભાવી ભક્તો તેમજ આ વિસ્તારના શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને આ શ્રી ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. રાજકોટના ધોરાજીથી 23 કિમી દૂર આવેલો અને પાટણવાવની શાન સમો ઓસમ ડુંગર આવેલો છે. પર્વતને જાણે હરિયાળીએ મધમીઠું આલિંગન આપી દીધું હોય તેવો લીલોછમ બની ગયો છે. જમીનની સપાટીથી 700 ફૂટની ઊંચાઇ અને 25 ચોરસ કિમીનો ઘેરાવો ધરાવતા આ પર્વતની લાક્ષણિકતા અને ખૂબી એ છે કે, અહીંથી કિંમતી એવી પર્લાઇટ ધાતુ નીકળે છે. અહીં ચાર ધાર્મિક સ્થળો જેમ કે, ભીમનાથ મહાદેવ મંદિર, ટપકેશ્વર મહાદેવ મંદિર, માત્રી માતાનું મંદિર તેમજ જૈન તીર્થંકરના દેરાસર આવેલા છે.
અહીં પસાર કર્યો હતો પાંડવોએ અજ્ઞાતવાસ: એવી માન્યતા પ્રવર્તે છે કે, પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો અને તેમની યાદગીરી રૂપે ભીમકુંડ, ભીમ થાળી વગેરે મોજૂદ છે. અહીં આસપાસમાં કિલ્લાના અવશેષો પણ મળી આવ્યા છે. પાટણવાવ, ચિચોડ અને કલાણા આ ત્રણ ગામ વચ્ચે આ પર્યટન સ્થળ આવેલું છે. વર્ષ 2014-15માં આ સ્થળને પ્રવાસન સ્થળનો દરજ્જો મળ્યો હતો અને દોઢ કરોડના ખર્ચે તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. દર વર્ષે ભાદરવી પૂનમે અહીં માત્રી માતાનો મેળો ભરાય છે.