વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટીબી રોગને સંલગ્ન એસ.ડી.જી – સસ્ટનેબલ ડેવલોપમેન્ટ ગોલ ના તમામ સૂચકાંક વિશ્વ કરતાં પાંચ વર્ષ પહેલા હાંસલ કરવા આહવાન કરવામાં આવેલ છે વડાપ્રધાને 24 માર્ચ 2023 વિશ્વ ક્ષય દિવસના રોજ ટીબી મુક્ત પંચાયતની નવીન પહેલનું આહવાન કરેલ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના કુલ 86 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવેલ છે. અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે ના વરદ હસ્તે બાવળા ખાતે 78 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેકટર દ્વારા સ્થાનિક આરોગ્ય કર્મચારીઓની સાથે બાવળા તાલુકાના મીઠાપુર ગ્રામ પંચાયત અને લગદાણા ગ્રામ પંચાયતના સરપંચને ટીબી પંચાયત કરવા બદલ સન્માન પત્ર અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે તાલુકા હેલ્થ ઓફિસરની ઉપસ્થિતિમાં વિરમગામ તાલુકાના સોકલી, કરણગઢ અને શિયાળ ગામના સરપંચ તથા આરોગ્ય કર્મચારીઓને ટીબી મુક્ત પંચાયત સન્માનપત્ર અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 15 મી ઓગસ્ટે વિરમગામ તાલુકાના મહાદેવપુરા, ભાવડા, ચણોઠીયા, જકશી, રૂપાવટી, નાની કિશોલ, શિવપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને આરોગ્ય કર્મચારીઓને ટીબી મુક્ત પંચાયતના સન્માન પત્ર અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે અમદાવાદ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને જિલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહ દ્વારા અમદાવાદ જિલ્લામાં મહત્તમ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થાય તે માટે કામગીરી કરી રહ્યા છે.