કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં છે. પૂર્વ રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ ભાજપ નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અને રાહુલ ગાંધીની ભારતની નાગરિકતાને રદ કરી દેવાની માગ કરી હતી. પોતાની અરજીમાં સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવા માટે ગૃહ મંત્રાલયને નિર્દેશ આપવાની માગ કરી છે. આ અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં આગામી અઠવાડિયે સુનાવણી હાથ ધરાવમાં આવી શકે છે. અરજીમાં સ્વામીએ દાવો કર્યો છે કે મેં પાંચ વર્ષ પહેલા ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી. અત્યાર સુધી તેમાં સ્પષ્ટ નથી કરાયું કે આ મુદ્દે ગૃહ મંત્રાલયે કયો નિર્ણય લીધો છે કે પછી શું કાર્યવાહી કરી છે?
આરટીઆઇમાં શું જવાબ મળ્યો હતો? :
સ્વામીએ અરજીમાં માગ કરી છે કે દિલ્હી હાઇકોર્ટ ગૃહ મંત્રાલય પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ માંગે. રાહુલની નાગરિકતા પર આરટીઆઇ પાસેથી માગવામાં આવેલી જાણકારીના અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે કોઈપણ પ્રકારની માહિતી શેર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એક વ્યક્તિએ માહિતીના અધિકાર એટલે કે આરટીઆઇ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે રાહુલની નાગરિકતા વિશે માહિતી માગી હતી. તેના જવાબમાં મંત્રાલયે કહ્યું કે આરટીઆઇ એક્ટની કલમ 8(1)(એચ) અને (જે) હેઠળ કોઈ ખુલાસો ન કરી શકાય. જાણકારી આપવાથી તપાસ પ્રક્રિયામાં અવરોધ પેદા થશે.