
જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે એક સમયે વૃદ્ધોમાં વ્યાપકપણે જોવા મળતી હાઇપરટેન્શનની સમસ્યા હવે યુવાનો અને મહિલાઓને પણ પ્રભાવિત કરી રહી છે, તેમ અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સિનિયર કાર્ડિયોલોજીસ્ટે જણાવ્યું હતું. 17 મેના રોજ વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે ડોક્ટર્સે ચેતવણી આપી છે કે આ “સાઇલન્ટ કિલર”ને કારણે ભારતમાં કાર્ડિયોવાસ્ક્યુલર, કિડની અને ન્યુરોલોજીકલ બિમારીઓનું ભારણ વધી રહ્યું છે. મોટાભાગે ગંભીર લક્ષણો જોવા ન મળે ત્યાં સુધી આ સમસ્યાઓ પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી હોતું.જૈવિક અને સામાજિક કારણોથી મહિલાઓ વિશેષરૂપે સંવેદનશીલ હોય છે. માસિકધર્મ, ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફાર તેમજ પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (પીસીઓએસ) અને ઓટોઇમ્યુન વિકૃતિઓ જેવી પરિસ્થિતિઓ હાઇ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. ભાવનાત્મક તણાવની મોટાભાગે અવગણના કરાય છે, પરંતુ તે મહત્વપૂર્ણ ટ્રિગર છે.અપોલો હોસ્પિટલ્સ અને અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. સમીર દાણીના કહેવા મૂજબ હાઇપરટેન્શન મધ્યમ વય ધરાવતા વ્યક્તિઓની જ સમસ્યા નથી. અમે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા યુવા દર્દીઓ પણ જોઇ રહ્યાં છીએ કે જેમની ઉંમર 20 કે 30 વર્ષ હોય. છેલ્લાં 30-40 વર્ષમાં વયસ્કોમાં હાઇપરટેન્શનના બનાવો આશરે 25-30 ટકા વધ્યો છે. તણાવમાં વધારો, આહારની ખરાબ આદતો અને બેઠાડું જીવનશૈલી તેના મુખ્ય કારકો છે. આ ટ્રેન્ડમાં સતત વધી રહ્યો છે ત્યારે જાગૃકતામાં વધારો અને સક્રિયપણે હેલ્થ સ્ક્રિનિંગ આ કેસની વહેલી ઓળખ કરવામાં મદદરૂપ બની શકે છે.અપોલો હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ ડો. જયેશ પ્રજાપતિએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં ભોજનની આદતો આ સમસ્યામાં વધારો કરે છે. પ્રોસેસ્ડ, હાઇ-સોડિયમ ફૂડ હવે પરંપરાગત ઘરે બનાવેલા ભોજનનું સ્થાન લઇ રહ્યાં છે. વિશેષ કરીને વર્કિંગ પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓમાં અપૂરતાં હાઇડ્રેશન અને અનિયમિત ભોજનના શિડ્યૂલથી જોખમ વધી રહ્યું છે. ચિંતાજનક વાત એ છે કે ઘણા વ્યક્તિઓને થાક, માથાનો દુખાવો અથવા ગભરામણ જેવાં લક્ષણોનો અનુભવ ન થાય ત્યાં સુધી ખ્યાલ પણ નથી આવતો કે તેઓ હાયપરટેન્સિવ છે.અપોલો હોસ્પિટલ્સ દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા હેલ્થ ઓફ ધ નેશનલ રિપોર્ટ 2025 પણ આ પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. રિપોર્ટ મૂજબ અમદાવાદમાં 15,172 વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરાયું હતું, જેમાંથી 24.4 ટકા હાઇપરટેન્સિવ અને 51.9 ટકા પ્રી-હાઇપરટેન્શિવ કેટેગરીમાં જોવા મળ્યાં હતાં. માત્ર 23.7 ટકાનું બ્લડ પ્રેશર નોર્મલ હતું.ડોક્ટરો નિવારણ અને મેનેજમેન્ટ માટે એકીકૃત અભિગમની સલાહ આપે છે. જરૂર હોય તો દવાની સાથે-સાથે યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓથી મધ્યમથી ઉચ્ચ હાઇપરટેન્શનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. નિયમિત કસરત, મીઠું અને ખાંડની નીચી માત્રા સાથે સંતુલિત આહાર અને નિયમિત ચેક-અપ બ્લડ પ્રેશરને નોર્મલ લિમિટમાં રાખવા માટે જરૂરી છે.ડો. દાણીએ ઉમેર્યું હતું કે, હાઇપરટેન્શનનું વહેલું નિદાન કરાય તો તેને મેનેજ કરી શકાય છે. આ વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે અમે વિશેષ કરીને મહિલાઓ અને યુવાનો સહિતના વ્યક્તિઓને કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થને પ્રાથમિકતા આપવા તથા ગંભીરતાથી નિવારક પગલાં ભરવા વિનંતી કરીએ છીએ, કે જેમને જોખમ હોઇ શકે છે.