અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા કેટલાક વર્ષથી આકર્ષક ઉછાળા સાથે તેઓ 2024માં 11.61 લાખ કરોડની નેટવર્થ સાથે દેશના સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં કમાણી કરનાર ગ્રૂપ દેશમાં ટેક્સ ચૂકવવા મામલે ઘણુ પાછળ છે. દેશની તિજોરીમાં તેમનું કોઈ નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું નથી.દેશમાં સૌથી વધુ કોર્પોરેટ ટેક્સ ભરનાર કંપનીઓની યાદીમાં અદાણી ગ્રૂપની એક પણ કંપની સામેલ નથી. દેશમાં કોર્પોરેટ ટેક્સ ચૂકવતી ટોપ-10 કંપનીઓમાં રિલાયન્સ, ટાટા ગ્રુપની બે કંપનીઓ, ત્રણ સરકારી અને અન્ય બેન્કો સમાવિષ્ટ છે. પરંતુ અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ નવ કંપનીઓ પૈકી એક પણ કંપની સામેલ નથી. કોર્પોરેટ ટેક્સ ચૂકવતી કંપનીઓના આંકડાઓ પર નજર કરીએ તો, અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ પણ ક્યાંય ટોપ-10માં સામેલ નથી.
2023-24માં 11.32 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ :
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના આંકડાઓ અનુસાર, 2023-24માં કુલ રૂ. 11.32 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ એકત્રિત થયો ચે. જે ગતવર્ષની રૂ. 10 લાખ કરોડની તુલનાએ 13.06 ટકા વધ્યો છે. નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન 10.26 ટકા વધી રૂ. 9.11 લાખ કરોડ રહ્યું છે.અદાણી ગ્રુપ છેલ્લા બે વર્ષથી સતત વિવાદોમાં છે. ગતવર્ષે જાન્યુઆરીમાં અમેરિકન રિસર્ચ એજન્સી હિન્ડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપના શેર્સમાં હેરાફેરીના રિપોર્ટ બાદથી અદાણી ગ્રૂપની પારદર્શિતા સામે સવાલો ઉભા થયા હતાં. સેબી અને સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી ગ્રૂપને આ આરોપોમાં ક્લિન ચીટ મળી હોવા છતાં હિન્ડનબર્ગના વધુ એક નવા રિપોર્ટથી શંકાઓ ઉભી થઈ છે.