રાજકોટ : ગુજરાતમાં ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જવાને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે આફત સર્જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રીના 3 વાગ્યાથી વરસવાનું શરુ કરી દેતા મંગળવારની સવાર સુધી અનરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે.રાજકોટમાં સતતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવતાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ આજે (મંગળવારે) પણ અનરાધાર વરસતાં રાજકોટનો આજી ડેમ છલકાયો છે. ભારે વરસાદથી જળબંબકારની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજકોટ શહેરના બે અંડર પાસ પણ બંધ કરવામાં આવ્યા છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સતત 10 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. નોકરિયાત લોકો અને ધંધાર્થીઓ માટે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે.રાજકોટમાં આખી રાત ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અવિરત વરસાદને પગલે અંડર પાસ પણ બંધ કરી દેવામાં આવતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીઆરટીએસ સેવા પણ ઠપ થઈ ગઈ છે.રાજકોટમાં ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. શહેરનો મહિલા અંડર પાસ પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી હતી.