જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી આ વખતે ઘણી દ્રષ્ટિએ અલગ છે. લદાખ હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આર્ટિકલ 370 અને 35એ હવે ઈતિહાસનો ભાગ છે અને જમ્મુ-કાશ્મીર પણ હાલ એક પૂર્ણ રાજ્ય નથી. એટલું જ નહીં આ સિવાય એક મહત્વની વાત એ છે કે પહેલી વખત એવા હજારો લોકોને મતદાન કરવાની તક મળશે. જે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં માત્ર મૂકદર્શક હતા. આ લોકો અહીં 7 દાયકાથી વસેલા છે પરંતુ અત્યાર સુધી તે કોઈ ચૂંટણીનો ભાગ નહોતા. આ તે લોકો છે જે 1947માં ભારત ભાગલા બાદ પાકિસ્તાનથી આવીને વસ્યા હતા.આમાંથી મોટાભાગના લોકો જમ્મુ, કઠુઆ, રાજૌરી જેવા જમ્મુ-કાશ્મીરના જિલ્લામાં જઈને વસ્યા હતા. 1947માં આવેલા આ લોકોને અત્યાર સુધી નાગરિકતા જ મળી શકી નહોતી અને 5764 પરિવારોને કેમ્પોમાં રહેવું પડતું હતું. સરકારી, ખાનગી નોકરી કે પછી કોઈ પણ સંગઠિત રોજગાર તે કરી શકતાં નહોતાં. ચૂંટણીમાં ભાગ લેવાનો તેમને અધિકાર નહોતો. તેથી કોઈ પણ પ્રકારનું દબાણ બનાવવાની સ્થિતિમાં પણ તે નહોતા. આર્ટિકલ 370 હટી તો આ લોકો માટે આશાની કિરણ જાગી. તેમને નાગરિકતા મળી, જમીન ખરીદવા, નોકરીનો અધિકાર મળ્યો અને તે લોકતંત્રનો ભાગ બન્યા.
આર્ટિકલ 370 રદ થયા બાદ પહેલી વખત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે અને આ પરિવારોના હજારો લોકો આ વખતે મતદાન કરશે. આ લોકોને પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા રેફ્યૂજી કહેવામાં આવતાં હતાં. આ સાથે વિટંબણા એ રહી કે પાક-અધિકૃત જમ્મુ-કાશ્મીરથી પલાયન કરીને આવેલા લોકોને નાગરિકતા મળી ગઈ કેમ કે તેમને રાજ્યના જ માનવામાં આવ્યા પરંતુ પાકિસ્તાનથી આવેલા લોકોને જમ્મુ-કાશ્મીરમાં નાગરિકતા મળી શકી નહીં. તેનું કારણ એ હતું કે તેમને અધિકાર મળવામાં આર્ટિકલ 370 નો અવરોધ ઊભો હતો. હવે તે દૂર થઈ તો આ લોકો પણ મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.આ લોકોને નાગરિકતા ન મળવાનો મુદ્દો ભાજપ તરફથી ઘણી વખત ઉઠાવવામાં આવતો હતો. વેસ્ટ પાકિસ્તાન રેફ્યૂજી કહેવાતા આ લોકોમાંથી મોટાભાગના દલિત સમુદાયના છે. તેથી તેમને સમગ્ર દેશની જેમ અનામત ન મળવાનો પણ એક મુદ્દો હતો. હવે આ માટે વોટિંગથી લઈને રિઝર્વેશન સુધીનો માર્ગ ખુલી ગયો છે. અત્યાર સુધી પોતાની પીડાને આ લોકો પોતાને આઝાદ દેશના ગુલામ લોકો કહીને વ્યક્ત કરતાં હતાં.