સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે. નાની મોટી મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજીના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી હતી. કુત્રિમ તળાવ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યાં, પરંતુ આજે જ્યારે સવાર પડતાં જે દૃશ્યો સામે આવ્યાં તે ખરેખર યોગ્ય નથી. ગણેશ સ્થાપના કર્યા બાદ લોકો દરિયામાં ગણેશ વિસર્જન કરવાનું તો ઠીક પરંતુ કુત્રિમ તળાવમાં પણ જઈને શ્રીજીનું વિધિવત્ રીતે વિસર્જન કરી શકતા નથી.સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના 200થી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પરવટ પાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની 2500થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. દર વર્ષે આ પ્રકારે નહેરોમાં કે અન્ય જગ્યાઓ પર શ્રીજીની પ્રતિમા વિસર્જનના નામે મૂકી દેવામાં આવતી હોય છે. માત્ર સ્થાપના કરી મનોરંજન કરવા ખાતર જ ગણેશ ઉત્સવમાં ભાગ લેતા હોય તેવું આ દૃશ્ય પરથી સ્પષ્ટ થાય છે. ગંદા પાણીમાં કેનાલના કિનારે મૂર્તિઓ મૂકીને ગણેશભક્તો જતા રહે છે તે ખરેખર દુઃખદ બાબત છે.
વિસર્જન ન કરી શકાય તો સ્થાપના ન કરવી જોઈએ :
સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું કે, અમારી સંસ્થા છેલ્લાં 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવિસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે. તેઓ લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવતા આવે છે. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિંદુ ધર્મની લાગણી દુભાવે તેવાં દૃશ્યો પ્રદર્શિત થાય છે.સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારની રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. સુરત મનપા દ્વારા કુત્રિમ તળાવો બનાવ્યાં હોવા છતાં તેમજ સુરત પોલીસનો આ નહેરો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં નાસમજ કહેવાતા ગણેશભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે છે. આવા ભક્તોને વિનંતી કે બાપ્પાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ નહીં કરવી.