સુરત : સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત શહેરમાં શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ શહેરમાં અજંપાભર્યા માહોલ વચ્ચે રાજ્યના ગૃહમંત્રીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, ‘કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. પથ્થરમારામાં કોઈપણ હશે એને છોડવામાં આવશે નહીં, પથ્થરમારો કરનારા કાયદા સાથે સમાજનો પણ ગુનેગાર છે. આ સાથે કોઈ નિર્દોષ ભોગ ન બને તે માટેનો પણ પોલીસ ખ્યાલ રાખી રહી છે.’
27 અસામાજિત તત્ત્વોને પોલીસે ઝડપી લીધા :
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે (8 સપ્ટેમ્બર) રાત્રે ગણેશ મંડપ પર પથ્થરમારો કરીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિત તત્ત્વો સામે તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોઈને છોડવામા આવશે નહીં તેવી વાત કરી હતી, ત્યારે સવાર સુધીમાં 27 અસામાજિત તત્ત્વોને પોલીસે ઝડપી લીધા હતા.પત્રકાર પરિષદમાં સંઘવીએ કહ્યું હતું કે, ‘સૈયદપુરામાં ગણેશ પાંદલમાં પથ્થરમારાના કેસમાં cctv-ડ્રોનની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો ઘરના દરવાજા બહાર લોક લગાવીને છુપાયા હતા તેને પોલીસે તાળા તોડીને પકડી પાડ્યા છે. ગૃહમંત્રીએ સુરત પોલીસને સ્પષ્ટ સૂચન કર્યુ હતું કે પથ્થરમારો કરનારા કાનૂની ગુન્હેગાર નથી સમાજનો પણ ગુન્હેગાર છે. આ સાથે એકપણ બેગુનાહ ન પકડાય તેનું ધ્યાન રાખવા સૂચન કરવામાં આવ્યું છે. સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં અશાંતિ સાંખી લેવામાં આવશે નહીં. આ ઘટનામાં કોઈ દયા કે લાગણી હોય શકે નહીં. કેસમાં જે છ સગીર ઝડપાયા છે, તેને લઈને તપાસ ચાલી રહી છે. જેમાં સગીરોને ઉશ્કેરવાનો પ્રયાસ કરનારા કોણ છે તેના માટે પણ તપાસ થઈ રહી છે.