અમદાવાદ : વડોદરામાં પુરની પરિસ્થિતિ સર્જાતા અમદાવાદ ફાયર વિભાગની ટીમ કામગીરી કરવા માટે મોકલવામાં આવી હતી.પુરગ્રસ્ત વિસ્તારમાં લોકોને બચાવવાની કામગીરી માટે ગયેલી ફાયરની ટીમ જીપ પાછળ બોટ બાંધી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતી હતી.આ સમયે બોટ પલટી જતા બોટમાં સવાર ત્રણ ફાયર કર્મચારીને ઈજા થઈ હતી.આ પૈકી એકને વડોદરા ખાતે આઈ.સી.સી.યુ.વોર્ડમાં સારવાર આપવી પડી હતી.વડોદરા ખાતે કામગીરી કરવા અમદાવાદ ફાયર વિભાગની અલગ અલગ ટીમ પહોંચી હતી. આ પૈકી એક ટીમમાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ ફાયરમેન પણ હતા. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ,રાત્રે કામ કર્યા બાદ સવારના સમયે જીપની પાછળ બોટ બાંધી ત્રણ ફાયરમેન જઈ રહયા હતા.આ સમયે બોટ પલટી જતા નિખીલ મુંધવા નામના ફાયરમેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.ઉપરાંત જિજ્ઞોશ ગોહીલ નામના ફાયરમેનને હાથના ભાગે ઈજા થઈ હતી.અન્ય એક ફાયરમેનને સામાન્ય ઈજા પહોંચી હતી.લોકોના રેસ્કયૂ માટે કામ કરતા ફાયર કર્મચારીઓનુ રેસ્કયૂ કરવુ પડયુ હોય એવી ઘટના ૨૯ ઓગસ્ટના રોજ બની હોવાનું ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે સ્વીકાર્યુ હતુ.