• મહારાષ્ટ્રના અમરાવતી ખાતે પાઇલટ ટ્રેનિંગ ફેસિલિટી નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં શરૂ થશે
• ટ્રેનિંગ માટે 31 સિંગલ એન્જિન અને ત્રણ ટ્વિન એન્જિન એરક્રાફ્ટ ઉપલબ્ધ રહેશે
ગુરૂગ્રામ, 1 જુલાઈ, 2024 – ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઈન્ડિયા મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની (એમએડીસી)ની પહેલના ભાગરૂપે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે દક્ષિણ એશિયાની સૌથી મોટી ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (એફટીઓ) ઊભું કરી રહી છે. એરલાઇન તેની પરિવર્તનની સફરમાં આગેકૂચ કરી રહી છે ત્યારે આ એફટીઓ એરલાઇનની મહત્વાકાંક્ષાઓને આગળ વધારશે અને ભારતમાં ઉપલબ્ધ પાઇલોટ તાલીમ ક્ષમતાને મજબૂત બનાવશે.
અમરાવતીના બેલોરા એરપોર્ટ ખાતે ડીજીસીએથી લાઇસન્સ પ્રાપ્ત આ એફટીઓ નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા સુધીમાં કાર્યાન્વિત થઈ જશે અને દર વર્ષે 180 કોમર્શિયલ પાઇલટ્સને ગ્રેજ્યુએટ કરવાનો લક્ષ્યાંક ધરાવશે.
ભારતમાં કોઈપણ એરલાઇન દ્વારા સૌપ્રથમ એવી આ એર ઈન્ડિયા એફટીઓમાં ટ્રેનિંગ માટે 31 સિંગલ એન્જિન એરક્રાફ્ટ અને 3 ટ્વિન એન્જિન એરક્રાફ્ટ ઉપલબ્ધ રહેશે.
એર ઈન્ડિયાને 30 વર્ષ માટે અમરાવતીમાં આ ડીજીસીએ દ્વારા લાયસન્સ પ્રાપ્ત એફટીઓ સ્થાપવા અને ચલાવવા માટે મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની (એમએડીસી) તરફથી ટેન્ડર મળ્યું છે.
એર ઈન્ડિયાના એમડી અને સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, “અમરાવતી ખાતેનું એફટીઓ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને વધુ આત્મનિર્ભર બનાવવા અને ભારતમાં યુવાનોને પાઇલોટ તરીકે ઉડાન ભરવાની તેમની મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે વધુ તકો પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. એરલાઇન તેની પરિવર્તન સફરમાં આગેકૂચ કરી રહી છે ત્યારે આ એફટીઓમાંથી બહાર આવતા યુવા પાઇલટ્સ એર ઈન્ડિયાની વિશ્વ કક્ષાની એરલાઇન બનવાની મહત્વાકાંક્ષાને બળ આપશે.”
“નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા સુધીમાં આ એફટીઓ કાર્યરત થશે અને મહત્વાકાંક્ષી પાઇલટ્સને શ્રેષ્ઠતમ ગ્લોબલ સ્કૂલ્સની સમકક્ષ વિશ્વકક્ષાના અભ્યાસક્રમ સાથે તાલીમ લેવાની તક આપે છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંના એક તરીકે ભારતને જરૂરી એવિયેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં ભાગ ભજવતા અને આત્મનિર્ભર ભારત માટે સરકારના વિઝનને સમર્થન આપવા બદલ અમને આનંદ થાય છે”, એમ એર ઈન્ડિયાના એવિએશન એકેડેમીના ડિરેક્ટર સુનીલ ભાસ્કરને જણાવ્યું હતું.
“એમએડીસી અને એર ઈન્ડિયા વચ્ચેની આ સહયોગી પહેલ ઉડ્ડયન ક્ષેત્રની અંદર 3,000થી વધુ રોજગારીની નવી તકો પર ધ્યાન કેન્દ્રિત કરીને ન કેવળ મહારાષ્ટ્રના અર્થતંત્રને વેગ આપશે, પરંતુ કૌશલ્ય પૂરા પાડીને, ટેક્નિકલ અને નાના ઉદ્યોગસાહસિક સાહસોમાં વિવિધ સંલગ્ન પ્રવૃત્તિઓમાં પણ રોજગારીનું સર્જન કરશે જેનાથી આગામી દાયકામાં રાજ્યના જીડીપીમાં રૂ. 1,000 કરોડનું યોગદાન મળશે. દક્ષિણ એશિયાના સૌથી મોટા એફટીએની સ્થાપના મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને ચોક્કસપણે ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરશે જે મહારાષ્ટ્ર રાજ્ય અને ભારતીય નાગરિકો માટે પ્રેરણા અને ગર્વની ઊંડી ભાવના પેદા કરશે” એમ મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપનીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સ્વાતિ પાંડેએ જણાવ્યું હતું.
અમરાવતીમાં એફટીઓ ખાતે એર ઈન્ડિયા 10 એકરમાં એક અત્યાધુનિક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વિકસાવશે, જેમાં ડિજિટલી સક્ષમ ક્લાસરૂમ્સ, ગ્લોબલ એકેડમીઓની સમકક્ષ હોસ્ટેલ, ડિજિટાઈઝ્ડ ઓપરેશન સેન્ટર અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવા માટે તેની પોતાની મેઇન્ટેનન્સ ફેસિલિટી હશે. આ એફટીઓ ઉચ્ચતમ સલામતી ધોરણો અને શ્રેષ્ઠ તાલીમ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે.
ટ્રેનિંગ એકેડમીમાં રોકાણ કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, એર ઈન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં ગુરુગ્રામમાં તેની 6,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી નવી ટ્રેનિંગ એકેડમીની જાહેરાત કરી હતી, જે દક્ષિણ એશિયામાં સૌથી મોટી છે. અમરાવતીમાં આ નવું એફટીઓ આગામી વર્ષોમાં ભારતના ઉડ્ડયન ઇકોસિસ્ટમને વેગ આપવા માટે એર ઈન્ડિયાની પ્રતિબદ્ધતાને પૂરક બનાવશે.