પૂ. મોરારિબાપુની 947 મી રામકથા માનસ સદભાવના હમણાં જ પૂરી થઇ. રામકથાના 9 દિવસ દરમિયાન શહેરના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) ના માર્ગદર્શન હેઠળ માનસ સદભાવના કથાના રસોડામાં દિનેશભાઇ ઢોલરીયા, વશરામભાઇ વેકરીયા, મુકેશભાઈ ઝાલાવાડીયા, ધીરુભાઈ ઝાલાવાડીયા, ચનાભાઈ મોલીયા, બલભદ્રસિંહ જાડેજા, પ્રિયજીતસિહ જાડેજા, પરેશભાઈ પિપળીયા તથા નિલેશભાઈ સહીત ૧૫૦થી વધુ કાર્યકરો ખડેપગે સેવા આપી હતી. વ્હેલી સવારથી ઈશ્વરીયા મહાદેવ પરિવારના યુવાનોથી માંડી વડીલો સવારે ૯ થી બપોરે ૪ સુધી અવિરત સેવા આપી હતી. આ કાર્યમાં કેટલાક બિલ્ડરો અને નાના—મોટા વેપારીઓ પણ શામેલ હતા. સૌ પોતાનો વ્યવસાય બંધ રાખીને પણ આ સેવા કરી રહયા હતા. માધાપર, મનહરપુર અને ઘંટેશ્વર વિસ્તારના વેપારીઓ, નોકરિયાત અને અભ્યાસ કરતાં યુવાનો સહિતના કાર્યકરો સેવાની ભાવનાથી જોડાઈને 50 હજારથી વધુ લોકો ભોજનપ્રસાદ શાંતિ અને આરામથી લઈ શકે તે માટે સતત કાર્યરત રહ્યા હતા. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિઃસંતાન, નિરાધાર, પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” યોજાઈ હતી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં, 5000 નિ:સંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ હતી. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થયું છે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા—સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.