અમેઝોનના સ્થાપના દિવસે જ એટલે કે 5 જુલાઈએ જેફ બેજોસે CEOનું પદ છોડ્યું છે. કંપનીના નવા CEO તરીકેની જવબદારી હવે એન્ડી જેસી સંભાળશે. જોકે કંપનીમાં થયેલા આટલા મોટા ફેરફારની વચ્ચે એ વાત પણ જાણવા જેવી છે કે શા માટે વિશ્વના સૌથી ધનિક એવા જેફ બેજોસે કંપનીની આટલી મોટી જવાબદારી જેસીને સોંપી. રસપ્રદ વાત તો એ છે કે એક સમયે જેસીની નોકરી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર બેજોસે જ તેમને કંપનીનું સુકાન સોંપ્યું છે. બેજોસે જેસીની નોકરી બચાવવામાં પણ ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી હતી. હાવર્ડ બિઝનેસ સ્કુલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી જેસીએ એમેઝોનમાં કેરિયરની શરૂઆત કરી હતી. પછીથી થોડા વર્ષો સુધી તો તેમની નોકરી સારી ચાલી પરંતુ તેમની જોબ પર તવાઈ આવી અને તેમને અમેઝોનના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાંથી કાઢી મુકવા સુધી વાત પહોંચી ગઈ. જોકે આ કપરા સમયમાં પણ બેજોસ તેમની પડખે ઉભા રહ્યાં હતા. તે સમયે બેજોસે કંપનીમાં રહેલા સૌથી સમર્થ વ્યક્તિઓ પૈકીના એક ગણાવીને જેસીને ટેકો કર્યો હતો. આ સમગ્ર વાતનો ઉલ્લેખ બ્લુમબર્ગના પત્રકાર બેન્ડ સ્ટોનની બુક એમેઝોન અનબાઉન્ડમાં છે.એન્ડી આર જેસીનો જન્મ અમેરિકાના ન્યુયોર્કમાં 13 જાન્યુઆરી 1968ના રોજ થયો હતો. તેમણે હાવર્ડ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. હાવર્ડ બિઝનેસ સ્કુલમાંથી MBAની ડિર્ગી મળે તે પહેલા તેમણે હાવર્ડ ક્રિમસનમાં એડવર્ટાઈઝિંગ મેનેજર તરીકે કામ કર્યું હતું. MBA કર્યા પછી તે 1997માં અમેઝોનમાં જોડાયા હતા. કરિયરની શરૂઆતમાં તેમણે બેજોસના પ્રથમ ટેક્નિકલ સલાહકાર તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમણે 2006ના રોજ AWS(એમેઝોન વેબ સર્વિસ)ની સ્થાપના કરી. પછીથી તે વિશ્વની સૌથી મોટી ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર બની. એમેઝોનના CEO તરીકેની જવાબદારી સોંપવામાં આવતા પહેલા તેમને AWSના CEOની જવાબદારી સોંપવામાં આવી હતી.કંપનીમાં લાંબા સમય સુધી લોજિસ્ટિક અને રિટેલ એક્ઝિક્યુટિવ રહેલા જેફ વિલકે ગત વર્ષે રાજીનામુ આપવાની જાહેરાત કરતા જેસીને એમેઝોન વેબ સર્વિસના CEO બનાવવામાં આવ્યા હતા. જેસી તેમના બોસ એટલે કે બેજોસ જેવી જ અસ્વાભાવિક સમાનતા ધરાવતા હતા. તેમણે એમેઝોનનો ફોક્સ ડેટા પર વધાર્યો હતો. જેના પગલે AWS મજબૂત થયું. આ સિવાય તેઓ જ્યારે એક્ઝિક્યુટિવ ગ્રાહકોની તકેદારી રાખવામાં નિષ્ફળ જતા ત્યારે તે મિટિંગમાં દખલ કરતા.જેસી છેલ્લા 20 વર્ષથી અમેઝોન સાથે જોડાયેલા છે. તે અમેઝોનના પાયાના પથ્થર સમાન કર્મચારી છે. આ સિવાય તે બેજોસના સૌથી વિશ્વાસુ વ્યક્તિઓ પૈકીના એક છે. બેજોસે સતત જેસીની પડખે ઉભા રહ્યાં છે. બેજોસના સહકારને પગલે તે એમેઝોન વેબ સર્વિસ ડિવિઝનને સૌથી સફળ બનાવી શકયા.
જેસીને એમેઝોનના CEO બનાવવા પાછળ તેમની વિશ્વસનીયતા સિવાયના મુદ્દાઓને પણ બેજોસે ધ્યાને લીધા છે. તેમની પાસે અમેઝોનને આગળ લઈ જવા માટેનું વિઝન છે. આ સિવાય તે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રોડકાસ્ટની AWS ઈકોસિસ્ટમના સારું જ્ઞાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે કંપનીના મોટાભાગના બિઝનેસનું તેની સાથે કનેક્શન છે. કંપનીના અંદરના જ વ્યક્તિને CEO તરીકે નિમવાના બેજોસના યોગ્ય નિર્ણયના કારણે આગામી સમયમાં પણ કંપનીનું ઓપરેશન કોઈ અડચણ વગર ચાલશે. તેના પગલે રોકાણકારો અને શેરહોલ્ડરોને પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહિ.