અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે (26મી સપ્ટેમ્બર) સતત બીજા દિવસે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.મુશળધાર વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને ભીંજવી દીધા છે, ત્યારે ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઇસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઇવેના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26 સપ્ટેમ્બર) વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ ઍલર્ટ છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા સુરત અને તાપીમાં યલો ઍલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમની જળ સપાટી 138.31 મીટર પર પહોંચી છે. જેના કારણે ડેમના 10 દરવાજા 1 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.