વડોદરા : વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી ધ્રુમિલ ગાંધીએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન એટલે કે સ્કિલ ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. ધ્રુમિલ અને તેના સાથીદાર અને મૂળે કેરાલાના સત્યજિથ બાલાક્રિષ્નને સ્કિલ ઓલિમ્પિકની ઈન્ડસ્ટ્રી 4.0 કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં ભારત પહેલી વખત કોઈ મેડલ જિત્યું છે.ફ્રાન્સમાં 11 થી 14 સપ્ટેમ્બર દરમિયાન સ્કિલ ઓલિમ્પિકનું આયોજન થયું હતુ. જેમાં સ્કિલ પર ફોકસ કરતી અલગ અલગ 52 પ્રકારની કેટેગરીમાં સ્પર્ધાઓનું આયોજન થયું હતું. ભારતના સ્પર્ધકોએ કુલ ચાર બ્રોન્ઝ મેડલ જીત્યાં છે અને તેમાં ગુજરાતની ટીમ ધ્રુમિલ અને સત્યજીથનો સમાવેશ થાય છે. સ્કિલ ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા તેમણે રાષ્ટ્રીય સ્તરે બીજા 10 રાજ્યોની ટીમ સાથે સ્પર્ધામાં ઉતરવું પડયું હતુ. જેનું આયોજન ભારત સરકારના નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતુ. જેમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા બાદ ધ્રુમિલ અને સત્યજીતની પસંદગી સ્કિલ ઓલિમ્પિક માટે થઈ હતી.