મહુવા : ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમશીમાએ પહોંચ્યો છે. પાલિકામાં પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્તના પગલે આજે બુધવારે સાધારણ સભા મળી હતી. જોકે મોવડી મંડળના કારણે આ દરખાસ્ત પાછી ખેંચાઈ હતી. આજે સાધારણ સભામાં ભાજપના ૧૯ સભ્યો ગેરહાજર રહ્યા હતા તેથી પ્રમુખ સામે રોષ યથાવત હોવાનુ ચર્ચાય રહ્યુ છે. નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસ અને અપક્ષના નગરસેવકોના ટેકાથી ૧ર સભ્યનુ ફોરમ થયુ હતું. મહુવા શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા કોઈના કોઈ કારણસર હંમેશા વિવાદમાં સંપડાયેલી રહે છે, જેનું કારણ મહુવામાં રાજકારણમાં પડી ગયેલા બે જૂથ છે, જેમાં ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમ બે વિભાગમાં કાર્યકર્તાઓ અને કાઉન્સિલરોના ભાગલા પડી ચૂક્યા છે, જેના કારણે મહુવાના રાજકારણમાં હંમેશા ગરમાવો જોવા મળે છે. ]
થોડા દિવસ પહેલા જ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના જૂથના ભાજપના જ સભ્યોએ કોંગ્રેસના સભ્યોનો ટેકો લઈ ભાજપના જ નગરપાલિકાના મહિલા પ્રમુખ ચાંદનીબેન મહેતા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેમાં ભાજપના ૧૯ નગરસેવકો અને કોંગ્રેસના ૬ જેટલા નગરસેવકોને સાથે રાખીને નગરપાલિકાના મહિલા પ્રમુખ વિરૂધ્ધ ચીફ ઓફિસરને મળીને સહી સાથેનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં પ્રમુખની મનમાની, અનિયમિતતા, ગેરરીતી વગેરે પ્રશ્ન દર્શાવ્યા હતા, જેને લઇ આ અંગે ચીફ ઓફિસરે નગરપાલિકાના પ્રમુખને ૧૫ દિવસમાં બેઠક બોલાવવાની વિશ્વાસનો મત મેળવવા જાણકારી હતી. જો કે મોવડી મંડળના કારણે આ અવિશ્વાસની દરખાસ્ત આજે બુધવારે પાછી ખેંચવામાં આવી હતી, જેને લઇ આજરોજ એક સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં પ્રમુખે ૧૨ સભ્યોનું ફોરમ ફરજિયાત કરવાનું હોય છે પરંતુ તેમાં ભાજપના જ ૧૯ સભ્યો એટલે કે જેમણે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તે સભ્યો હાજર રહ્યા ન હતા, જેથી ભાજપના પ્રમુખ દ્વારા ત્રણ કોંગ્રેસના અને એક અપક્ષ અને આઠ ભાજપના સભ્યો મળી જનરલ સભાનું ફોરમ પૂર્ણ કર્યુ હતું પરંતુ મહુવા શહેરમાં નેતાઓના આંતરિક વિવાદના કારણે પ્રજાના કામો અટકી રહ્યા છે અને ખુરશીના ખેલમાં પ્રજાનો ખો નિકળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જોવાનું એ રહ્યું કે, આગામી દિવસોમાં મહુવાનું રાજકારણ કેવા પ્રકારના રૂપ ધારણ કરશે અને અટકી પડેલા વિકાસના કામોની શરૂઆત કયારે થશે ? તેની રાહ જોવી જ રહી.