સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિએ શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે. જેને લઈને મૃત્યુ આંક છ થયો છે. ત્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. બાળકને 13 જુલાઈના રોજ દાખલ કરાયું હતું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામનો 3 વર્ષીય બાળકને 13 જુલાઈના રોજ દાખલ કરવામાં આવ્યું હતું, જેની હાલત ગંભીર હતી, જેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. એ બાળકનું બે દિવસની સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. તો છેલ્લા 3 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી, જ્યારે પુણે ખાતે સાત સેમ્પલ મોકલવામાં આવ્યાં છે.
શંકાસ્પદ વાઇરસથી હિંમતનગરમાં મોતનો આંક 6 થયો:
આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આસિ. RMO ડૉ. વિપુલ જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં આઠ બાળકોના કેસ આવ્યા હતા. જેમાંથી 6 બાળકોનાં મોત થયાં છે. જ્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. 6 દર્દી હાલ સારવાર હેઠળ- રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામાં એક- એક શંકાસ્પદ કેસ છે. જ્યારે રાજસ્થાનના 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામનાં સેમ્પલ પુના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ સરેરાશ 12થી 15 દિવસમાં આવે છે.
2 વર્ષથી 9 વર્ષ સુધીનાં બાળકોના કેસ નોંધાયા:
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થયું હતું. ત્યાર બાદ 5 જુલાઈ 2024ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયાની 6 વર્ષીય બાળકી નીપજ્યું હતું. 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. આમ, 17 દિવસમાં ચારનાં મોત થયાં હતાં. ત્યાર બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 8 જુલાઈ 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અકીવાડા ગામની 4 વર્ષીય બાળકી અને 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપળિયા ગામની 9 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે. જ્યારે 13 જુલાઈના રોજ દાખલ કરાયેલા ઢેકવા ગામના 3 વર્ષીય બાળકનું 15 જુલાઈના રોજ સોમવાર રાત્રિના મોત નીપજ્યું હતું.
ચાંદીપુરમ વાઇરસ ફેલાવાનું કારણ:
આ વાઈરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓને કારણે ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે, પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાઇરસ ફેલાય છે.
ચાંદીપુરા વાઇરસનાં લક્ષણો:
1. અચાનક તાવ અને માથું દુખવું.
2. વોમિટિંગ થવી.
3. અશક્તિને કારણે બેભાન થઈ જવું.
ચાંદીપુરા વાઇરસથી બચવાના ઉપાયો:
ચાંદીપુરાનાં લક્ષણ ઈન્સેફ્લાઈટિસ (મગજનો તાવ)ને મળતા આવે છે. જો કોઈનામાં પણ આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. આ વાઇરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે, આથી ઘર અને બહાર સ્વચ્છતા રાખો, જેથી ઘરમાં મચ્છર કે માખી ન ફેલાય.