વિરમગામ : ડેન્ગ્યુ રોગચાળા અટકાયતી માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે. ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે એડિસ ઇજિપ્તાઇ મચ્છર જવાબદાર છે. જે કન્ટેનર બ્રીડર છે. અમદાવાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ પણ અમદાવાદ જિલ્લામાં બે વખત આવી મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાન્સમિશન સીઝનમાં વાહકજન્ય રોગચાળાને વકરતો અટકાવવા માટે પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, તાલુકા સુપરવાઇઝર, જિલ્લાની ટીમ સહિતના 291 કર્મચારીઓ દ્વારા ટાયર પંચરની દુકાન, ભંગારની દુકાન, જીઆઇડીસી વિસ્તાર, કન્સ્ટ્રક્શન સાઇટ સહિત અન્ય સ્થાનો પર રૂબરૂ મુલાકાત લઈને જ્યાં મચ્છરના બ્રીડિંગ જોવા મળ્યા ત્યાં અને ભવિષ્યમાં પાણી ભરાવાથી મચ્છર ઉત્પત્તિ થવાની શક્યતાઓ રહેલી છે તેવા સ્થાનો પરના વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જે પાત્રોમાં પોરા જોવા મળ્યા તેનો સ્થળ પર જ કર્મચારીઓ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લામાં કુલ 2566 સ્થાનો પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી જેમાંથી 444 પાત્રોમાં પોરા જોવા મળ્યા હતા અને 616 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત દરેક સ્થાનો પર ઉપસ્થિત લોકોને મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે કરવાની થતી કામગીરીથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. “પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર” સૂત્રને સાર્થક કરવા અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અગાઉ બે વખત અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી અને નોટીસ પણ પાઠવવામાં આવી હતી. શનિવારે ત્રીજી વખત અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. હવે પછી જો કોઈ ખાનગી માલિકીની જગ્યામાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો એપેડેમિક એક્ટ 1897 મુજબ સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે તેમ અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.