ગુજરાત રાજ્યના વિવિધ કર્મચારી મંડળો દ્વારા સરકાર સામે વિવિધ પ્રશ્નો મુદ્દે 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન કરવાના હતા. પરંતુ તે અગાઉ જ સરકાર દ્વારા કર્મચારી મંડળ સાથે બેઠક કરીને એક અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારની નામોશી ન થાય તે માટે આંદોલન સ્થગિત કરાવ્યું છે. જોકે સરકારના મંત્રીએ પીએમનો ગુજરાત પ્રવાસ હોવાથી અધિકારીઓ-મંત્રીઓ વ્યસ્ત હોવાનો હવાલો આપ્યો છે.
રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય મંડળ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે. તેમાં મુખ્યમંત્રી સમક્ષ આ વિષય મૂકવામાં આવ્યો છે, જેમાં તેમનું અત્યાર સુધી હકારાત્મક વલણ રહ્યું છે. ગત સરકારમાં એમના પ્રશ્નો અમે સાંભળ્યા હતા અને આવતા અઠવાડિયે ફરીથી બેઠક થશે અને કર્મચારીઓની માંગણીઓ વિશે સુખદ સમાધાનની ચર્ચા કરવામાં આવશે.કર્મચારી મંડળના ભરત ચૌધરી અને સતીશભાઇએ સરકારની રજૂઆત માન્ય રાખી છે. પરંતુ ઓક્ટોબરમાં તેમની માગનો સુખદ અંત નહી આવે તો આક્રમક કાર્યક્રમ યોજવાની ચિમકી ઉચ્ચારી છે. આ મુદ્દે કર્મચારીઓના પ્રતિનિધિ અને પ્રાથમિક શિક્ષણ સંઘના દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે અગાઉ 16 સપ્ટેમ્બર 2022 ના રોજ 14 પ્રશ્નો જૂની સરકારમાં સ્વિકારમાં આવ્યા હતા અને 2 પ્રશ્નો સ્વિકારવામાં આવ્યા ન હતા. આ વખતે અમે નવા પ્રશ્નોમાં બીજા 7 પ્રશ્નો રજૂ કર્યા છે, જેમાં 2-3 પ્રશ્નો એવા છે જેમાં સરકાર સાથે ચર્ચા કરવી જરૂરી છે. સરકારે અમારી પાસે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. અમે ઇચ્છીએ છીએ કે સરકાર સાથે બેસીને સમાધાન થાય અને આવનાર સમયમાં ઝડપથી કાર્યવાહી થાય.
અગાઉ ગાંધીનગર ખાતે કર્મચારીઓએ ધરણા કર્યા હતા :
અગાઉ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતની પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. ગાંધીનગર (Gandhinagar)માં સત્યાગ્રહ છાવણીમાં ફેબ્રુઆરીની 23મી તારીખે સરકારી કર્મચારીઓ દેખાવ કર્યો હતો. સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી દેખાવની જાહેરાત કરવામાં આવી હતી. તેની પહેલા અધ્યાપકો-શિક્ષકો દ્વારા 14મી અને 16મી ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી. કર્મચારીઓની જૂની પેન્શન સહિત સાતમા પગારપંચના બાકી લાભો આપવા, તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું અને ઘરભાડું ભથ્થું આપવાની માંગ છે. ઉલ્લેખનીય છે કે મંડળે ચોથી માર્ચ સુધીમાં પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.