આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો દાવો કરવો ભારે પડ્યો છે. આ મામલો પોલીસે કાર્યવાહી કરીને ત્રણ મહિલાઓ સહિત 15 લોકોની ધરપકડ કરી છે. આ સંગઠને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ રાજ્યમાં 24 સ્થળે બોંબ લગાવ્યા હોવાનો દાવો કર્યા બાદ રાજ્યમાં ભારે હડકંપ મચ્યો હતો.
પોલીસ અને NIAએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું :
આસામ પોલીસના મુખ્ય જનસંપર્ક અધિકારી પ્રણવજ્યોતિ ગોસ્વામીએ કહ્યું કે, ‘આસામની પોલીસે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ટેકનિકલ ટીમના માધ્યમથી રાજ્યના અનેક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સંયુક્ત દરોડા પાડ્યા બાદ મોટી સફળતા હાથ લાગી હતી, જેમાં શનિવારે રાત્રે ત્રણ મહિલાઓ સહિત 15 લોકોને દબોચી લેવાયા છે.’આસામ પોલીસે કહ્યું કે, ‘સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન આઈઈડી જેવી વિસ્ફોટક સામગ્રી લગાવાઈ હોવાના દાવાની તપાસ કર્યા બાદ પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે એનઆઈએ સાથે મળીને ઘણા દિવસોથી ઓપરેશન હાથ ધરીને ગુપ્ત માહિતી મેળવી હતી, ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની પૂછપરછ કર્યા બાદ બોંબ લગાવ્યો હોવાના દાવાની હકીકત સામે આવી હતી.’બોંબ લગાવ્યાની ઘટનામાં પોલીસે રાજ્યમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ગુવાહાટીમાંથી બે આઈઈડી જેવા ઉપકરણો અને આસામમાં બોંબ સંબંધિત 10 જેટલા પદાર્થો મલી આવ્યા હતા. પોલીસે જે ત્રણ મહિલાઓ સહિત 15 લોકોની ધરપકડ કરી છે, તેમાંથી ડિબ્રુગઢ અને લખીમપુરમાંથી ત્રણ-ત્રણ આરોપીઓ, જોરહાટ અને ગુવાહાટીમાંથી બે-બે, તિનસુકિયા, સાદિયા, નગાંવ, નલબાડી અને તામુલપુરમાંથી એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.