રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહે ફોગાટ પર સવાલ ઉઠાવીને જાતીય સતામણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ દરમિયાન પુનિયાએ સમગ્ર મામલે બ્રિજભૂષણ પર પ્રહાર કરતાં કહ્યું છે કે, ‘બ્રિજભૂષણની દેશ પ્રત્યેની માનસિકતા છતી થઈ છે. આ વિનેશનો મેડલ ન હતો, પરંતુ 140 કરોડ ભારતીયોનો મેડલ હતો. જેઓ વિનેશની ગેરલાયકાતની ઉજવણી કરે છે, શું તેઓ દેશભક્ત છે?’આ પહેલા પૂનિયાએ કહ્યું હતું કે, ‘અમે નાનપણથી જ દેશ માટે લડી રહ્યા છીએ, છોકરીઓ સાથે છેડતી કરનારા અમને દેશભક્તિ શીખવી રહ્યા છે. અમે ક્યારેય નથી જણાવ્યું કે કયા રેસલર સાથે છેડતી કરવામાં આવી છે. તેણે વિનેશનું નામ લઈને દુષ્કર્મ આચર્યું છે. છોકરીઓ થપ્પડ મારવાની હિંમત હોત તો તમને રોજ થપ્પડ ખાવા પડત. બ્રિજભૂષણ ચોરીથી લઈને દેશદ્રોહ સુધીનો હિસ્ટ્રીશીટર છે.’પૂનિયાએ કહ્યું કે, ‘ભાજપ બ્રિજભૂષણનું સમર્થન કરી રહ્યું છે. હું ચૂંટણી નથી લડી રહ્યો, અમે નક્કી કર્યુ હતું કે અમારા બંનેમાંથી કોઈ એક ચૂંટણી લડશે. હવે વડાપ્રધાન મોદી પાસેથી કોઈ પ્રકારની આશા નથી. મારી વિરુદ્ધ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવ્યો, ડોપના આરોપમાં મારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વિનેશે ઓલિમ્પિકમાંથી બહાર થયા પછી કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. મુશ્કેલીના સમયે કોંગ્રેસ અમારી સાથે ઊભી રહી છે. આ સાથે આમ આદમી પાર્ટી સહિતની અન્ય વિપક્ષ પાર્ટીઓ અમારી સાથે રહી છે.’