આણંદ જિલ્લાના આઠ તાલુકાઓ માટે બેડવા ખાતે આવેલી આરટીઓ કચેરીમાં સર્વરની સમસ્યાથી વાહન ચાલકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે. ત્યારે આરટીઓ કચેરીમાં ૬ ઈન્સ્પેક્ટર સહિત પૂરતો સ્ટાફ હોવા છતાં સીધી રીતે કામ નહીં થતું હોવાનું અને વચેટિયા રાજ હોવાના આક્ષેપો વાહનચાલકો કરી રહ્યા છે. બેડવાની આરટીઓ કચેરીમાં વાહન ચાલકોને સર્વર બંધ છે, ધીમું ચાલે છે તેવા રોજ જવાબો મળી રહ્યા છે. જિલ્લા ભરમાંથી બસમાં કે રિક્ષાઓ અથવા ખાનગી વાહનો લઈને આરટીઓ કચેરીમાં આવતા વાહન ચાલકોના વિવિધ કામો જેમાં લાઇસન્સ પાસિંગ, દંડ ભરવાનો, નંબર પ્લેટ, નવા વાહનનું કામ, ગેસકીટનું કામ, જુના વાહનનું પાસગ, આરસીબુક સહિત જરૂરી કામોમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો હોવાની બૂમ ઉઠી છે. જિલ્લાભરમાંથી રોજબરોજ સંખ્યાબંધ વાહન ચાલકો મુશ્કેલીઓ વેઠીને ખર્ચો કરી આવે ત્યારે કચેરીમાં જતા જ સર્વર ડાઉન છે, કાલે આવજો જેવા જવાબો મળતા પાછા જવા મજબૂર બનવું પડે છે. ત્યારે વાહન ચાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આરટીઓ કચેરીમાં વચેટિયાની મોટી ફોજ છે. સર્વર બંધ હોવા છતાં વચેટીયાઓને વહિવટ આપી જો કામ સોંપવામાં આવે તો ગણતરીના કલાકોમાં જ વાહન ચાલકોના કામ થઈ જાય છે. સામાન્ય કામ પણ એજન્ટો વિના થઈ શકતું નથી. દૂરથી આવતા વાહન ચાલકોને મજબૂરીને કારણે છેલ્લે તો વચેટિયાનો જ સહારો લેવો જ પડે છે.આરટીઓ કચેરી દ્વારા આણંદ જિલ્લામાં દર ગુરુવારે ડ્રાઇવ યોજવામાં આવતી હતી જેમાં ઓવરલોડ રિક્ષાઓ કે અન્ય વાહનોને પકડવામાં આવતા હતા તે ડ્રાઈવ પણ કેટલાય સમયથી બંધ થઈ ગઈ છે.આણંદ આરટીઓ વિભાગના લાયસન્સ અધિકારી આર.કે. પટેલે જણાવ્યું હતું કે, સર્વરની કામગીરી એનઆઈટી દ્વારા થતી હોય છે. જેમાં મેન્ટેનન્સ કરવામાં આવતું હોય તો અગાઉ વેબસાઈટ ઉપર સર્વર બંધ હોય તેવી સૂચના પણ અપાય છે. બેડવા કચેરીમાં સર્વરની સમસ્યા હોય છે, પરંતુ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકોને મુશ્કેલીઓ ન પડે તે માટે ઝડપથી કામગીરી થતી હોય છે. સર્વર બંધની જાણ ગ્રાહકોને કરાય છે.