અમદાવાદ : અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ આઈપીએલની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સનો અંદાજે 60 ટકાથી વઘુ હિસ્સો રૂ. 6000 કરોડમાં તેની વર્તમાન માલિક સી.વી.સી. કેપિટલ પાસેથી ખરીદશે તેમ મીડિયા સુત્રોપાસેથી જાણવા મળ્યું છે. સત્તાવાર જાહેરાત અમુક પ્રક્રિયા બાદ યુરોપિયન કંપની સી.વી.સી. કેપિટલ અને ટોરેન્ટ વચ્ચે આ અંગેની સમજુતી થઇ ચુકી છે જેની સત્તાવાર જાહેરાત આગામી સમયગાળામાં થશે. ટોરેન્ટ મહત્તમ (મેજર) અને સી.વી.સી. ન્યુનતમ (માઇનોર) હિસ્સો રાખશે.આઈપીએલ વિશ્વની સૌથી કમાણી કરી આપતી લોકપ્રિય લીગ છે. આ જ કારણે તમામ ફ્રેન્ચાઇઝીની વર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત ટાઈટન્સની હાલની વર્થ એક અબજ ડોલર જેટલે કે અંદાજે રૂ. 8500 કરોડ છે. આ કિંમતે 60 ટકાથી વધુ હિસ્સો ખરીદવા રૂ. 6000 કરોડ ટોરેન્ટ જુથને આપવા પડશે. સીવીસીએ 2022માં રૂ. 5625 કરોડમાં ગુજરાત ટાઈટન્સને ખરીદી હતી. 2022માં તેની પ્રથમ સીઝનમાં જ ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં ચેમ્પિયન બન્યું હતું. 2021માં ગુજરાતની ફ્રેન્ચાઇઝી માટેના માલિક હક્ક મેળવવા બીડિંગ થયું હતું જેમાં બધાના આશ્ચર્ય વચ્ચે જે કંપનીની ભારતમાં ઓળખ જ નહોતી તેવી યુરોપિયન કંપની સીવીસીએ સૌથી વઘુ રૂ. 5,625 કરોડ સાથે તેના હરિફોને પાછળ પાડીને ચોંકાવી દીધા હતા.
અદાણી અને ટોરેન્ટ બીડિંગમાં આઉટ થયેલા :
કોર્પોરેટ જગત અને ક્રિકેટ વર્તુળને તો છેક સુધી એવી જ ખાતરી હતી કે અદાણી જુથ હોડમાં હોઈ તેઓ જ ગુજરાતની ફ્રેન્ચાઇઝના માલિક બનશે પણ અદાણી જુથ સીવીસીની તાકાત ઓળખવામાં નિષ્ફળ ગયું અને તેઓનું બીડિંગ રૂ. 5100 કરોડ રહ્યું હતું. સીવીસીએ અદાણી કરતા રૂ. 525 કરોડ વઘુની બીડ કરી હોઈ માલિકી હક્ક મેળવ્યા હતા. સીવીસીએ રૂ. 5625 કરોડ સાથે ટીમ ખરીદી હતી. 2022ની સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળ ટીમ ઉતારી જે ચેમ્પિયન બની હતી.ટોરેન્ટ ગ્રુપે પણ તે બીડિંગમાં ભાગ લીધો હતો પણ તેઓ રૂ. 4,65૩ કરોડ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. જ્યારે હવે 60 ટકાથી વધુ હિસ્સો ખરીદવા રૂ. 6000 કરોડ ખર્ચવા પડશે. ફેબ્રુઆરી 2025 સુધી તો સીવીસી જ કરારની શરતો હેઠળ સંપૂર્ણ માલિક રહેશે પણ આ લોકિંગ પીરીયડ પુરો થતા ટોરેન્ટ જુથ ગુજરાત ટાઈટન્સની મહત્તમ માલિક બનશે. ગુજરાતી ટચ 2025ની આઈપીએલની સીઝનમાં ગુજરાત ટાઈટન્સની મેજર માલિક ટોરેન્ટ જુથ બનશે, આઈપીએલ મેચ મે- જુનમાં રમાતી હોય છે. ટોરેન્ટ જુથ અમદાવાદ સ્થિત હોઈ ગુજરાત ટાઈટન્સને ગુજરાતી કંપનીની માલિકીની ઓળખ પણ મળશે.
ટીમના બદલાવ પર નજર :
જો કે ગુજરાતના ક્રિકેટર એવા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સ ખેંચી ગયું હોઈ 2024ની સીઝનમાં શુબમન ગીલ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવાયો હતો. હવે આ વર્ષના અંતે કે 2025ની ફેબ્રુઆરીમાં મેગા ઓક્શન થવાની હોઈ ટોરેન્ટ જૂથ ટીમમાં કેવો બદલાવ લાવે છે તે જોવાનું રહેશે.