અમેરિકાથી પ્રમુખ પદની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનાર પ્રમુખ પદની ચૂંટણીમાં જો બાઈડેન તેમની ઉમેદવારી છોડશે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અમેરિકાના પ્રમુખ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. એક મીડિયાકર્મીએ મોટો દાવો કર્યો હતો કે બાઈડેન અમેરિકાના પ્રમુખ પદની ઉમેદવારી છોડવા સહમત થઈ ગયા છે. સૂત્રએ એવો પણ દાવો કર્યો હતો કે જો બાઈડેન ભલે પોતાની ઉમેદવારી છોડવા તૈયાર થયા હોય પરંતુ તે કમલા હેરિસને સીધી રીતે ઉમેદવાર બનાવવા તૈયાર નથી અને એટલા માટે જ તેમને સમર્થન નહીં કરે. એની જગ્યાએ બાઈડેન એક કેન્ડિડેટની ઓપન પ્રક્રિયાને ટેકો કરશે જેમાં કેટલાક અન્ય ઉમેદવારોનો માર્ગ મોકળો થઈ શકે છે. જોકે એવા પણ અહેવાલ છે કે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવી શકે છે.તાજેતરની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડેન પર ભારે પડતાં દેખાયા હતા. જેના પછી જો બાઈડેનના સ્વાસ્થ્ય અને ખરાબ પ્રદર્શનને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા.
હવે જો બાઈડેન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી શકે છે. અમેરિકાના જાણીતા અખબારે ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં કહ્યું કે બાઈડેનના નજીકના લોકો માને છે કે બાઈડેને તો વિચારવાનું શરૂ કરી દીધું છે. હવે તેમને એવું પણ લાગવા લાગ્યું છે કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી.ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓને લાગે છે કે બાઈડેન હવે પીછેહઠ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કહ્યું હતું કે આ વખતે બાઈડેનની જીતની શક્યતાઓ ઘણી ઓછી છે. વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં કહ્યું હતું કે ગુરુવારે રાત સુધી એવી અટકળો ચાલી રહી હતી કે બાઈડેન ગમે ત્યારે જાહેરાત કરી શકે છે કે તે ચૂંટણી નહીં લડે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પક્ષના ઉમેદવાર બનવાની સંભાવના વચ્ચે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટેના વિકલ્પો શોધવાનું પણ શરૂ કર્યું છે.