ઉત્તર પ્રદેશમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. કન્નૌજના ગુરસહાયગંજમાં વરસાદ બાદ ઘરની ઉપરથી પસાર થતો હાઈટેન્શન તાર તૂટી પડતાં સાત ઘર તેમાં લપેટાયા છે. ઘરમાં હાજર 38 લોકો વીજ કરંટની લપેટમાં આવવાથી દાઝી ગયા છે. ઘરોમાં વીજ ઉપકરણો પણ બળીને ખાખ થઈ ગયા છે. સબ સેન્ટરમાં જાણ કર્યા બાદ પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો અને અડધો ડઝન લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની સૂચના મળતા જ કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ :
બુધવારે સાંજે 7:00 વાગ્યે ગુરસાહાયગંજમાં હાઈ ટેન્શન લાઈનનો એક તાર તૂટીને એક ઘરની છત પર પડ્યો હતો. નન્હે અલી, અબ્દુલ ગફાર, હસીબ અને મોહમ્મદ નાયાબ વગેરેના પરિવારના બાળકો, મહિલાઓ અને પુરૂષો કરંટની લપેટમાં આવી ગયા છે. ઈલેક્ટ્રીક શોક લાગવાથી બધા બેભાન થઈ ગયા હતા. અનેક લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સબ સેન્ટરને જાણ કર્યા બાદ સપ્લાય બંધ થઈ ગયો હતો. રેફ્રિજરેટર, કુલર, ઈન્વર્ટર વગેરે ઉપકરણો બળી ગયા હતા. ઘટનાને લઈને લોકોમાં વીજ વિભાગ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.
ગુરસહાયગંજના એસડીઓ બ્રજેશ કુમાર સરોજે જણાવ્યું કે, વરસાદના કારણે સર્જાયેલી ખામીને કારણે ઘરોની છત પર હાઈટેન્શન તાર પડ્યો હતો. વીજ લાઈન પહેલાથી જ ત્યાંથી નીકળી છે અને ત્યારબાદ લોકોએ તેની નીચે ઘર બનાવ્યા છે. જેના કારણે ઘરોની છત પર હાઈટેન્શન તાર પડ્યો છે.કાર્યપાલક ઈજનેર આર.કે. ભારતીએ જણાવ્યું કે, વીજલાઈન જૂની છે તેમ છતાં લોકોએ લાઈનની નીચે પોતાના ઘરો બનાવી લીધા છે. ઘટના સંદર્ભે વિગતવાર માહિતી માટે SDO સાથે ચર્ચા કરવામાં આવશે અને મામલાની તપાસ કરાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.