મુંબઈ : વૈશ્વિક શેરબજારોમાં ફરી તેજીનું માનસ પ્રસ્થાપિત થતા તેનું પ્રતિબિંબ ક્રિપ્ટોકરન્સીસ માર્કેટમાં પણ જોવા મળ્યું હતું અને સપ્તાહના પ્રારંભમાં બોલાઈ ગયેલા કડાકામાં નોંધપાત્ર રીકવરી જોવા મળી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને ૬૨૦૦૦ ડોલરની સપાટી દર્શાવી હતી.મોડી સાંજે બિટકોઈન ૬૧૦૬૦ ડોલર જ્યારે એથરમ ૨૬૬૧ ડોલર કવોટ કરાતો હતો. ક્રિપ્ટો માર્ટેકમાં રિકવરીને જોતા તેજીવાળા હવે વર્ષના અંતે બિટકોઈન એક લાખ ડોલર પહોંચી જવાની વાતો કરવા લાગ્યા છે. અમેરિકામાં બેરોજગારીના આંકડા અપેક્ષા કરતા નીચા આવતા અને જાપાને વ્યાજ દરમાં હાલમાં ફરી વધારો નહીં કરાયે તેવી કરેલી સ્પષ્ટતા બાદ વૈશ્વિક શેરબજારો સાથે ક્રિપ્ટો માર્કેટસમાં પણ સપ્તાહ અંતે ઉછાળો જોવા મળ્યો હતો.અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જશે તો બિટકોઈન એક લાખ ડોલરની સપાટી દર્શાવી શકે છે, તેવો બજારના ખેલાડીઓ મત ધરાવી રહ્યા છે.ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીસની તરફેણમાં છે. ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ પણ વધી ૨.૧૫ ટ્રિલિયન ડોલર જોવા મળી હતી.