ભાવનગર : શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ હસ્તકની ૯ આર.બી.એસ.કે ટીમ દ્વારા નવજાત શિશુથી ધોરણ-૧૨ સુધીના બાળકોની આંગણવાડી, પ્રાઈવેટ બાલમંદિર, બાલવાટીકા, સરકારી અને પ્રાઈવેટ શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, ચિલ્ડ્રન હોમ, અનાથ આશ્રમ, મદરેસા ખાતે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગત એપ્રિલથી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૬૧ ડીલીવરી પોઈંટ ખાતે કુલ ૪,૫૪૬ જેટલા નવજાત શિશુની ડીલીવરી પોઈંટ ખાતે તપાસ કરવામાં આવી હતી, ૩૧૬ આંગણવાડી અને ૭૬ શાળાનાં થઇને કૂલ ૬૭,૧૦૯ જેટલા બાળકોની આંગણવાડી તેમજ શાળા ખાતે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં ડીલીવરી પોઈંટ પર તપાસ કરતા કરોડરજ્જુની તકલીફ વાળું ૧ બાળક, હોઠ અને તાળવું કપાયેલ હોય એવું ૧ બાળક, વાંકા પગ વાળા ૧૨ બાળકો, જન્મજાત હૃદયમાં તકલીફ હોય એવું ૧ બાળક અને અન્ય જન્મજાત તકલીફ વાળા ૯ બાળકો એમ કુલ ૨૪ બાળકો જન્મજાત ખોડખાંપણ વાળા હોવાનુ જાણવા મળેલ છે. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૧૧,૦૭૦ જેટલા બાળકોના હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૩,૯૫૨ જેટલા એનેમિયા વાળા બાળકો મળી આવ્યા હતાં. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસણી દરમિયાન તપાસાયેલા બાળકોમાંથી ૧૯ જન્મજાત હદય રોગવાળા બાળકો, ૮ કિડનીના રોગવાળા બાળકો, ૬ કેન્સરના રોગવાળા બાળકો, જન્મજાત બહેરાશ વાળા ૨ બાળકો, જન્મજાત મોતિયો વાળું ૧ બાળક, જન્મથી આંખનાં પડદાની તકલીફ વાળા ૨ બાળકો, ડાઉન સિન્ડ્રોમ વાળા ૨ બાળકો, હોઠ અને તાળવું કપાયેલ હોય એવું ૧ બાળક, વાંકા પગ વાળા ૯ બાળકો, ૨૮૨ જેટલા અતિકુપોષિત બાળકો, ૧,૩૭૯ જેટલા ચામડીના રોગવાળા બાળકો, ૨,૪૪૮ જેટલા શ્વસનતંત્રના રોગવાળા બાળકો, ૨,૭૭૧ જેટલા દાંતનાં રોગવાળા બાળકો તથા ૬૩૭ જેટલા આંખના રોગવાળા બાળકો, ૨૩૫ કાન, નાક અને ગળાના રોગવાળા બાળકો, ૪૩ આંચકીના રોગવાળા બાળકો, ૯૦ જેટલા બાળકો વિકાસલક્ષી વિલંબતા વાળા હોવાનુ જાણવા મળ્યુ હતું. આ તમામને જરૂરીયાત મુજબ સારવાર અને સંદર્ભ સેવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સર.ટી.હોસ્પિટલ, ભાવનગર ખાતે પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ગંભીર તકલીફ ધરાવતા બાળકો જેવા કે જન્મજાત હૃદયની તકલીફ વાળા બાળકોને યુ.એન.મહેતા કાડયાક હોસ્પિટલ, અમદાવાદ, કીડની તકલીફ વાળા બાળકોને કીડની હોસ્પિટલ, અમદાવાદ, કેન્સરની તકલીફ વાળા બાળકોને કેન્સર હોસ્પિટલ, અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. શાળા આરોગ્ય તપાસની સાથે ધનુર અને ડીપ્થેરીયાના રોગ સામેનાં રક્ષણ માટે ટીડી વેકસિનેશન અભિયાન અંતર્ગત ૧૦ વર્ષ અને ૧૬ વર્ષ (ધોરણ ૫ અને ધોરણ ૧૦) ના કુલ ૨૧,૦૪૨ બાળકોને ટીડીની રસી આપવામાં આવી હતી. ૫ વર્ષ પુરા થયા હોય એવા કુલ ૧૩,૪૧૧ બાળકોને ધનુર, ડીપ્થેરીયા અને પટુસીસના રોગ સામે રક્ષણ મેળવવા માટે ત્રિગુણી રસી (ધનુર, ડીપ્થેરીયા અને પટુસીસ)નો બીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.