Gulabsinh Rajput Vav Seat: બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે બંને પક્ષો રાહ જોઇને બેઠા હતા કે ચૂંટણીના મેદાનમાં કોને ઉતારવામાં આવે છે. કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું સૌથી ઉપર હતું. ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી પડી છે. હવે આ બેઠક પર તા. 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી ભાજપમાંથી કોઇનું નામ નક્કી થયું નથી. ભાજપમાંથી કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે.
વાવ બેઠક કોંગ્રેસ માટે યથાવત જાળવી રાખવી એ પડકાર સમાન છે જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. અત્યાર સુધી વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.
ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.