બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો ચાર લેનનો સુલતાનગંજ-અગુવાની પુલ ત્રીજી વખત શનિવારે તૂટી પડયો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સુલતાનગંજથી અનુવાની ઘાટ તરફ પીલર નંબર નવ અને ૧૦ વચ્ચેનો ભાગ શનિવારે ગંગા નદીમાં સમાઈ ગયો હતો. આ મહાસેતુનું નિર્માણ એસપી સિંગલા કંપની કરાવી રહી છે.ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજમાં બની રહેલો આ પુલ ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવાઈ રહ્યો છે. પુલનો એક ભાગ તૂટી પડવાના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોને સલામત અંતરેથી પુલને તૂટી પડતો જોઈ રહ્યા છે. આ વીડિયોમાં કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળવામાં આવ્યા છે કે પુલ ફરી એક વખત તૂટી પડયો. નોંધનીય છે કે અગાઉ ૪ જૂન ૨૦૨૩ના રોજ સુલ્તાનગંજ- અગુવાની પુલના પાયા નંબર ૧૦, ૧૧, ૧૨ના ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર તૂટી પડયું હતું, જે લગભગ ૨૦૦ મીટર જેટલો ભાગ હતો. આ અકસ્માત પછી પુલ પર ફરજ બજાવતા બે ગાર્ડ પણ ગુમ થઈ ગયા હતા. આ સિવાય ૨૭ એપ્રિલ ૨૦૨૨ના રોજ પણ આ નિર્માણાધિન પુલનું એક સુપર સ્ટ્રક્ચર નદીમાં તૂટી પડયું હતું. તિવ્ર આંધી અને વરસાદમાં અંદાજે ૧૦૦ ફૂટ લાંબો ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડયો હતો. જોકે, તે સમયે પણ જાન-માલનું કોઈ નુકસાન થયું નહોતું. ભાગલપુર-સુલ્તાનગંજ અગુવાની પુલ બિહાર સરકારનો ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતો મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું પ્રારંભિક મૂલ્યાંકન રૂ. ૧૭૧૦.૭૭ કરોડ હતું. સીએમ નીતિશ કુમારે ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે, આઈઆઈટી રૂરકીના નિષ્ણાોની એક સમિતિએ આ પુલના માળખાની ચકાસણી કરી હતી. તેમણે પુલના ફાઉન્ડેશન અને સુપરસ્ટ્રક્ચરની ડિઝાઈનમાં ખામી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સીએમ નીતિશ કુમારને તેની કંઈ પડી નથી.