વડોદરા :વડોદરા શહેરમાં ઠેર-ઠેર રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી પાલિકા તંત્ર દ્વારા શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં બંધાયેલા ગેરકાયદે ઢોર વાડાનો સફાયો શરૂ કરાયો છે. આજે ફરી એકવાર પૂર્વ વિસ્તારમાં ડી-માર્ટ મોલ આસપાસની સોસાયટીઓમાં બનાવાયેલ 10 જેટલા ગેરકાયદે ઢોરવાડાનો સફાયો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે કેટલાક ગૌ પાલકોને ઢોરવાડા બાબતે નોટિસો આપવામાં આવી છે જ્યારે કેટલીક જગ્યાએ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં રખડતા ઢોરથી એક પણ રોડ રસ્તો બાકી નથી. પરિણામે આવા રોડ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલી સહિત કેટલીક વાર અકસ્માત થવાના અને રખડતા ઢોરે સીંગડે ચડાવવાના બનાવો પણ રાહદારીઓને નડ્યા છે. દરમિયાન છેલ્લા ચાર દિવસથી પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર બનેલા ગેરકાયદે ઢોરવાડા તોડવાની ઝુંબેશ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારના ડી-માર્ટ આસપાસના વિસ્તારના ગેરકાયદે ઢોરવાડાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા અને ઢોરવાડાની ગંદકી અને મચ્છરોના ત્રાસથી પણ હેરાન પરેશાન થઈ ગયા હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી.પરિણામે પાલિકા તંત્રની ઢોર પાર્ટીની ટીમે બાપોદ પોલીસ સ્ટાફના સહારે આ વિસ્તારમાં ગેરકાયદે બનેલા દસ જેટલા ઢોરવાડાનો સફાયો કર્યો હતો ત્યારે ગોપાલક જોડે સામાન્ય તું તું મેં મેં થયું હતું. પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.