મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ હજી બાકી છે. લાંબા મનોમંથન બાદ ભાજપ, શિવસેના અને એનસીપીમાં મંત્રીમંડળ ફાળવવાના ફોર્મ્યુલા પર અંતે મહોર વાગી ગઈ છે. 14 ડિસેમ્બરે આ મંત્રીમંડળની જાહેરાત થવાની સંભાવના છે. મહાયુતિ સરકારે સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કર્યો છે. હવે તમામની નજર મહાયુતિ ગઠબંધનના કેબિનેટ ગઠન પર છે.સૂત્રોએ જણાવ્યું કે, આ વખતે મહાયુતિના નવા મંત્રીમંડળમાં મોટા નામો સામેલ કરવામાં આવશે. અર્થાત્ જે દિગ્ગજ નેતાઓએ પાછલી કેબિનેટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે, તેમને આ વખતે સ્થાન મળશે નહીં. કારણકે, તેના લીધે વિપક્ષને પ્રહારો કરવાની તક મળે છે.
સ્વચ્છ છબીવાળા નેતાઓને મળશે સ્થાન :
મહારાષ્ટ્રના નવા રાજ્ય મંત્રીમંડળમાં સ્વચ્છ છબીવાળા ધારાસભ્યોને સ્થાન મળશે. વિવાદિત નેતાઓથી અંતર જાળવવામાં આવશે. એનડીએના કેન્દ્રીય હાઇકમાન્ડે આ મુદ્દે ભાર મૂકતાં કહ્યું છે કે, જૂના બળવાખોર મંત્રીઓને ફરીથી કેબિનેટમાં સામેલ કરવા નહીં.
આ મંત્રીઓ થઈ શકે છે બહાર :
શિવસેનના ત્રણ ટોચના મંત્રીઓને આ વખતે બહારનો રસ્તો બતાવી શકે છે. જેમાં એફડીએ અને જળ સંસાધન વિભાગના સંજય રાઠોડ, લઘુમતી અને માર્કેટિંગ વિભાગમાંથી અબ્દુલ સત્તાર અને આરોગ્ય વિભાગમાંથી તાનાજી સાવંતને પદ પરથી હટાવી શકાય છે.એનસીપી(અજિત પવાર જૂથ)માંથી દિલીપ વાલ્સે પાટિલ, હસન મુશ્રીફને બહારનો રસ્તો બતાવી શકે છે. ભાજપમાંથી સુરેશ ખાડે (શ્રમ વિભાગ) અને વિજય કુમાર ગાવિત (આદિવાસી કલ્યાણ વિભાગ)ને મંત્રીમંડળમાંથી બહાર કરી શકે છે.
કેબિનેટમાં 43 મંત્રીઓને સ્થાન મળી શકે છે! :
મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં ત્રણ સહયોગીઓમાં ઘણાં નવા ચહેરાઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 43 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. હજુ 40 પોર્ટફોલિયો ભરવાના બાકી છે. કેબિનેટ માટે ભાજપમાંથી 15, શિવસેના (શિંદે જૂથ)ના 10 અને એનસીપી(અજિત પવાર)ના 9 નામ રેસમાં છે.