કેરળમાં ગઈકાલ મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાતાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત થયા છે. બસ અને કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે, કાર કૂચો વળી જતાં તેમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે જણને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મૃતકો અલાપ્પુઝા મેડિકલ કોલેજના વિદ્યાર્થી :
કેરળના અલાપ્પુઝામાં કલાકોડ નજીક રાજ્યની કેએસઆરટીસી બસ અને કાર અથડાઈ હતી. જેમાં કારનો કુચો વળી જતાં મૃતકોને બહાર કાઢવા પોલીસને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના પાછળનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. પોલીસને શંકા છે કે, ફેંગલ વાવાઝોડાના લીધે છેલ્લા બે દિવસથી કેરળમાં ભારે વરસદ થઈ રહ્યો છે. જેના લીધે માર્ગ પર લપસી જવાની ઘટનાઓના કારણે આ અકસ્માત સર્જાયો હશે. મૃતકોમાં લક્ષદ્વિપ નિવાસી દેવનંદન, મોહમ્મદ ઈબ્રાહિમ, આયુષ શાજી, શ્રીદીપ વલસન, મોહમ્મદ જબ્બાર વંદનમ મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા.