પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાના મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાની તપાસને લઇને સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો હતો, સ્ટેટસ રિપોર્ટને લઇને સુપ્રીમે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને તેને વિચલિત કરનારો ગણાવ્યો હતો. જોકે રિપોર્ટમાં શું સામે આવ્યું છે તેની માહિતી જાહેર કરવાથી તપાસ પર અસર થઇ શકે તેમ કહીને વધુ વિગતો સુપ્રીમે નહોતી આપી. નવ ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટના સામે આવી હતી, જેની સુઓમોટો દ્વારા સુપ્રીમે નોંધ લઇને મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જેબી પારડીવાલા, ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચે સુનાવણી શરૂ કરી હતી. મંગળવારે સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં પિટિશન કરનારા એક અરજદાર વતી હાજર વકીલ ફિરોઝ ઇદુલજીએ એવો દાવો કર્યો હતો કે કોલકાતા પોલીસે આ સમગ્ર ઘટના સાથે સંકળાયેલા માત્ર ૨૭ મિનિટના ફૂટેજ જ સીબીઆઇને સોંપ્યા છે. બાદમાં જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સીબીઆઇએ અમને સોંપેલા રિપોર્ટમાં જે ખુલાસો કર્યો છે તે વિચલિત કરનારો છે. વકીલને જણાવતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે તમે જે કહી રહ્યા છો તે અંગે સીબીઆઇએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
દરમિયાન બંગાળ સરકાર વતી હાજર વરીષ્ઠ વકીલ કપિલ સિબલે સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલાનું લાઇવ સ્ટ્રીમિંગ (જીવંત પ્રસારણ) રોકવાની અપીલ કરી હતી, ચેમ્બરની મહિલા વકીલોને એસિડ હુમલા અને રેપની ધમકીઓ મળી રહી છે. જોકે સુપ્રીમે આ દલીલ ફગાવી હતી અને કહ્યું હતું કે આ જાહેર હિતનો મામલો છે, કોર્ટમાં શું ચાલી રહ્યું છે તેની અંગે લોકોને જાણકારી મળવી જોઇએ. સાથે જ કોર્ટે કહ્યું હતું કે જો કોઇ વકીલને ધમકી મળી રહી હોય તો તેને લઇને કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન બંગાળ સરકારે સરકારી હોસ્પિટલમાં મહિલા ડોક્ટરો પાસે રાત્રે કામ નહીં કરાવવા નોટિફિકેશન બહાર પાડયું હતું, જેની સુપ્રીમે ટીકા કરી હતી અને કહ્યું હતું કે રાત્રે કામ કરતી મહિલા ડોક્ટરોને સુરક્ષા પુરી પાડવી તે સરકારની જવાબદારી છે. તમે કેમ કહી શકો કે મહિલાઓ રાત્રે કામ નહીં કરી શકે? મહિલા ડોક્ટરો પર પ્રતિબંધો કેમ? મહિલાઓ પણ રાત્રે કામ કરવા માટે તૈયાર છે. આ પ્રકારના નોટિફિકેશન બહાર પાડવા કરતા સુરક્ષા પુરી પાડો. સુપ્રીમે બાદમાં નોટિફિકેશનમાં સુધારા કરવા આદેશ આપ્યો હતો.
બીજી તરફ કોલકાતાના જુનિયર ડોક્ટરો મહિનાથી ધરણા કરી રહ્યા છે, તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરીને એક માગણી ટોચના અધિકારીઓને હટાવવાની કરી હતી. આ માગણીને ધ્યાનમાં રાખીને બંગાળ સરકારે કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલની બદલી કરી નાખી હતી, તેમના સ્થાને આ પદ મનોજ કુમાર વર્માને સોંપાયું હતું. કમિશનર ઉપરાંત અન્ય ચાર પોલીસ અધિકારીઓની પણ બદલી કરાઇ હતી. સાથે જ મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર પદેથી ડો. કૌશલ નાયક અને સ્વાસ્થ્ય સેવાઓના ડાયરેક્ટર પદેથી ડો. દેબાસિસ હાલદેરને હટાવવામાં આવ્યા હતા.