Government Appeal to Doctors : કોલકાત્તામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને દેશભરના ડૉક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા 17 ઑગસ્ટે 24 કલાકની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. હવે આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક પ્રેસ રિલીઝ દ્વારા ડૉક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની બાહેંધરી આપી છે. આ સિવાય જરૂરી પગલાં લેવા માટે એક કમિટી બનાવી સૂચનો માંગવામાં આવશે. ડેન્ગ્યુ અને મલેરિયાના વધી રહેલા કેસના કારણે મંત્રાલય દ્વારા ડૉક્ટર્સને ફરજ પર હાજર રહેવા વિનંતી પણ કરવામાં આવી છે.ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા 17 ઑગસ્ટે 24 કલાકની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળ શનિવાર સવારે 6 વાગ્યાથી રવિવાર સવારે 6 વાગ્યા સુધી ચાલશે. વિરોધ દરમિયાન, આવશ્યક સેવાઓ અને ઇમરજન્સી સારવાર સિવાય તમામ સ્વાસ્થ્ય સેવાઓ બંધ રખાશે. તબીબો ન્યાય અને તાત્કાલિક સુધારાની માંગ કરી રહ્યા છે. રેસિડેન્ટ ડૉક્ટરો કામ કરવાના સ્થળે અને રહેઠાણ સ્થળે હિંસાથી બચાવવા કેન્દ્રીય કાનૂનની માંગ કરી રહ્યા છે. ડૉક્ટરોની હડતાળ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ ઍસોસિયેશન (FORDA), ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA) અને સરકારી મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોના રેસિડેન્ટ ડૉક્ટર્સ ઍસોસિયેશનના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં સ્વાસ્થ્ય સેવા સંઘોએ કાર્યસ્થળો પર સ્વાસ્થ્ય સેવા કર્મીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સ્વાસ્થ્ય સેવા કર્મીઓને સુરક્ષા પૂરી પાડવા ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.