વિશ્વભરમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી વધારી રહી છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં સોના-ચાંદીના ભાવમાં આકર્ષક તેજી જોવા મળી હતી. જેની પાછળનું કારણ પણ વિવિધ સેન્ટ્રલ બેન્કો અને સંસ્થાકીય રોકાણકારો દ્વારા સોનાની ખરીદીમાં વધારો હતુ. સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ એકત્રિત કરવામાં આરબીઆઈ અગ્રણી રહ્યું છે.વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ આ વર્ષે પ્રથમ છ માસમાં કુલ 483 ટન સોનાની ખરીદી કરી છે. જે ગતવર્ષે સમાન ગાળામાં 460 ટન ખરીદી સામે 5 ટકા વધુ છે. ફોર્બ્સે હાલમાં જ 2024ના પ્રથમ બે ત્રિમાસિકમાં વિવિધ દેશો પાસે ગોલ્ડ રિઝર્વની યાદી જાહેર કરી હતી. જેમાં ભારત વિશ્વના 9.57 ટકા હોલ્ડિંગ (840.76 ટન) સાથે આઠમા ક્રમે છે. અમેરિકા 72.41 ટકા હોલ્ડિંગ સાથે પ્રથમ છે.
ગોલ્ડ રિઝર્વમાં વૃદ્ધિ પાછળના કારણ :
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં વિશ્વભરમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો થયો હતો. બીજી બાજુ ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાએ ડોલર નબળો પડ્યો હતો. જ્યારે પણ આર્થિક કટોકટી સર્જાય છે ત્યારે, વિવિધ દેશો નુકસાનથી બચવા માટે સોનાની ખરીદી વધારે છે. જેથી ક્રાઈસિસના દોરમાં તેઓ હેજિંગ મારફત પોતાનું નુકસાન ઘટાડી શકે છે. આ વર્ષના બીજા ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ 183 ટન સોનુ ખરીદ્યું છે. જે ગતવર્ષની તુલનાએ 6 ટકા વધુ છે. જો કે, પ્રથમ ત્રિમાસિકમાં 300 ટનની તુલનાએ ખરીદી 39 ટકા ઘટી છે. આરબીઆઈ બીજા ત્રિમાસિકમાં 19 ટન સોનુ ખરીદ્યું છે. નેશનલ બેન્ક ઓફ પોલેન્ડ દ્વારા પણ 19 ટન સોનાની ખરીદી સાથે બંને સેન્ટ્રલ બેન્ક ટોચ પર રહી છે. તુર્કીની સેન્ટ્રલ બેન્ક 15 ટન સોનાની ખરીદી સાથે ત્રીજા નંબરે રહી છે. જોર્ડન, કતાર, રશિયા, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, ઈરાક અને ચેક રિપબ્લિકની સેન્ટ્રલ બેન્કોએ પણ સોનાની ખરીદીમાં વધારો કર્યો છે.