DA Allowances Hike: કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારીઓને મોદી સરકારે દિવાળી પહેલાં જ મોટી ભેટ આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે આજે બુધવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું (DA) 3% વધારવાની જાહેરાત કરી છે. આ વૃદ્ધિ સાથે લાખો કર્મચારીઓને મૂળ પગાર પર મળતું મોંઘવારી ભથ્થું 42%થી વધી 45% થયું છે.
કેટલો પગાર વધ્યો?
મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા બાદ એન્ટ્રી-લેવલના સરકારી કર્મચારીનો મૂળ પગાર, જે માસિક રૂ. 18,000 છે, તેમાં દર મહિને રૂ. 540નો વધારો થવાની ધારણા છે. આ વધારાથી કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થવાની ધારણા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એરિયર્સ મળવાની અપેક્ષા છે.
વર્ષમાં બે વખત ફેરફાર
કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય રીતે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં વધે છે. જેની જાહેરાત માર્ચ અને ઓક્ટોબરમાં કરવામાં આવે છે.
મોંઘવારી ભથ્થું (DA) શું છે?
મોંઘવારી ભથ્થું (DA) કર્મચારીઓના મૂળ પગારનો એક ટકા છે. તે તેમના જીવન ખર્ચ પર ફુગાવાના પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ બને છે. આ ભથ્થું સામાન્ય રીતે રોજિંદા જીવન ખર્ચમાં વધઘટને પ્રતિબિંબિત કરતાં દર છ મહિને સુધારવામાં આવે છે. મોંઘવારી ભથ્થું (DA) ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) દ્વારા નક્કી કરવામાં આવે છે, જે રિટેલ ભાવની વધઘટ પર નજર રાખતા વાર્ષમાં બે વાર અપડેટ કરવામાં આવે છે. ડીએમાં વધારાથી સરકારી કર્મચારીઓને રોકડ પગારમાં વધારો થાય છે.