Chennai Heavy Rain Updates: ચેન્નઈમાં મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગઈકાલ સવારથી પડી રહેલો વરસાદ સતત વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં ઘૂંટણસમા તો અમુક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. મેડલી સબવે અને મામ્બલમ વિસ્તાર સહિત શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
રસ્તાઓ અને ધોરીમાર્ગો પર પાણી ભરાવાથી બસો અને લોકલ ટ્રેનો સહિત જાહેર પરિવહન માટે સમસ્યા સર્જાઈ છે. ઘણાં વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં અંધકાર છવાયો છે.
આગામી બે દિવસ પણ રેડ એલર્ટ
IMD એ 17 અને 18 ઓક્ટોબરે રાજ્યના ઘણાં ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની ચેતવણી આપી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અને નાયબ મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. વરસાદની સ્થિતિ અંગે ઉદયનીધિ સ્ટાલિને મંગળવારે જણાવ્યું હતું કે, “છેલ્લા 24 કલાકમાં ચેન્નાઈમાં લગભગ 5cm સરેરાશ વરસાદ નોંધવામાં આવ્યો છે. પરિસ્થિતિ મોટાભાગે નિયંત્રણમાં છે. સૌથી વધુ વરસાદ શોલિંગનલ્લુર અને તેયનામપેટમાં છે. લગભગ 6cm જેટલો વરસાદ તિનામપેટમાં નોંધાયો છે. ચેન્નઈના કોઈપણ વિસ્તારમાં પાવર કટ નથી.
300થી વધુ વિસ્તારોમાં પાણી જ પાણી
ભારે વરસાદના કારણે આઠથી વધુ વૃક્ષો પડી ગયા છે. NDRF અને SDRFની 26 ટીમો ચેન્નઈ અને તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. ચેન્નાઈના 22 સબવેમાંથી બે સબવેમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર બંધ ખોરવાઈ ગયો છે.
શાળા-કોલેજોમાં રજા જાહેર
ભારે વરસાદને કારણે ગંભીર સુરક્ષા સ્થિતિને ટાળવા તમિલનાડુ સરકારે ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ સહિત ચાર જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોમાં જાહેર રજા આપવામાં આવી છે. ખાનગી ઓફિસોને પણ કર્મચારીઓને ઘરેથી કામ કરવા અથવા ઓછામાં ઓછા લોકોને ઓફિસે બોલાવવા અપીલ કરાઈ છે. પોલીસ, ફાયર બ્રિગેડ, મ્યુનિસિપલ વહીવટ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન સહિતની મહત્ત્વની સેવાઓ કાર્યરત રહેશે.
રજનીકાંતના બંગલૉમાં પાણી ઘૂસ્યા
ચેન્નઈમાં ભારે વરસાદના કારણે પાયમાલી સર્જાઈ છે. સુપરસ્ટાર રજનીકાંતના બંગલામાં પણ પાણી ઘૂસ્યા છે. રજનીકાંતના ઘરની આસપાસના વિસ્તારમાંથી પાણી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમનો સ્ટાફ આ સમયે ખૂબ જ સાવચેતીપૂર્વક કામ કરી રહ્યો છે અને પૂરને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સુપરસ્ટાર રજનીકાંતના ઘરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.