મનીલા : ચીને ફીલીપાઇન્સ ઉપર આક્ષેપ કર્યો છે કે તેના જહાજે ચીનના કોસ્ટ ગાર્ડ સાથે જાણી જોઈને સોમવારે સવારે અથડામણ કરી છે. ચીનના કોસ્ટ ગાર્ડની વેબ સાઇટ ઉપર તેના પ્રવકતાએ જણાવ્યું હતું કે, બે ફીલીપનો કોસ્ટ ગાર્ડ શિપ્સ સબીના શૉલ (ખંડીય છાજલી)માં દાખલ થઈ ગયા હતા અને ચીનના કોસ્ટ ગાર્ડના જહાજ ઉપરથી ચેતવણી ઉચ્ચારવામાં આવી હોવા છતાં તેની પાસે પહોંચી આજે (સોમવારે) સવારના ૩.૨૪ વાગે જાણી જોઈને, તેની સાથે અથડામણ કરી હતી.ફીલીપાઇન્સના આ કૃત્ય અંગે ચીનના પ્રવકતા ગાન યુએ કહ્યું હતું કે, ફીલીપાઇન્સે આવા ઉશ્કેરણીજનક પગલા લેવા બંધ કરવા જોઈએ નહીં તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.આ સાથે ગાને સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર ઉપર ચીનના નિર્વિવાદ સાર્વભૌમત્વનો પણ દાવો કર્યો હતો. તે સાથે ચીન જેને નાનશા-ટાપુઓ કહે છે તે સ્પ્રેટલ ટાપુઓ ઉપર પણ ચીને પોતાના સાર્વભૌમત્વનો દાવો કર્યો હતો. તેમાં તેણે સાબિના શૉલ અને આસપાસના વિસ્તાર ઉપર પણ પોતાનું નિર્બંધ સાર્વભૌમત્વ હોવાનું ખુલ્લે આમ જણાવી દીધું હતું. ચીન આ ખંડીય છાજલી (શૉલ)ને શીયાન બિજી રીફ કહે છે.આ અંગે આગળ બોલતાં ગાને કહ્યું હતું કે, આ પૂર્વે સેકન્ડ થોમસ શૉલના વિસ્તારમાં પણ ફીલીપિનો જહાજે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને હાંકી કઢાયું હતું. ચીન તો હંમેશા સમુદ્રો અંગેના કાનૂનો અને નિયમોને જ અનુસરતું રહ્યું છે.સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર ઉપરના ચીનના આ દાવાને સહજ રીતે જ તે સમુદ્રના તટ પ્રદેશને સ્પર્શતા વીયેતનામ, તાઇવાન અને ઇન્ડોનેશિયા સહિત તમામ દેશોનો વિરોધ છે.ચીન અને ફીલીપાઇન્સ વચ્ચે ગત વર્ષથી વિવાદ ગંભીર બની રહ્યો છે. ફીલીપાઇન્સ સાથે પહેલા મૈત્રીનો હાથ લંબાવી ચીને તેની સાથે કેટલાક વ્યાપાર વાણિજય સંબંધે કરારો કર્યા હતા. ત્યારે તે વિસ્તારમાં શાંતિ રહેશે તેવી આશા હતી. પરંતુ હવે તો પ્રશાંત મહાસાગરમાં પણ પાણી ડહોળાઈ ગયું છે. તેમાં સબીના શૉલ નવું ફલેશ પોઇન્ટ બની રહેલ છે.