Seva Setu Program:અસારવાના ખંડુભાઈ દેસાઈ હોલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારની વિવિધ યોજના તથા મ્યુનિ.સેવાઓને લઈ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહીવટીતંત્રની બેદરકારી સામે આવી હતી. મ્યુનિ. સંચાલિત કોમ્યુનિટી હોલમાં માઈક સિસ્ટમ જ નહોતી. મેયર પ્રતિભા જૈનના ઘ્યાનમાં આ બાબત આવતા તેમણે કાર્યક્રમમાં જ મઘ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રામ્યા ભટ્ટને ઠપકો આપતા ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે મેયરની માફી માંગી હતી.
શાહીબાગ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાગર પિલુચિયાને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. આધારકાર્ડ કઢાવવા તથા સુધારા વધારા કરાવવા પહોંચેલા તેમજ જન્મના દાખલામાં સુધારા કરવા ગયેલાઓના કામ જ ન થતા તેમને પરત ફરવાની ફરજ પડી હતી.
આધારકાર્ડ, જન્મ મરણના દાખલામાં સુધારા જેવા કામો જ ન થયાં : અન્ય પ્રશ્નો વણ ઉકલ્યા
અસારવા ખાતે આવેલો ખંડુભાઈ દેસાઈ હોલ વાતાનૂકુલિત છે. આમ છતાં આ હોલમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમને ઘ્યાનમા લઈ વિવિધ સ્થળે એક ડઝન જેટલા એર કુલર મ્યુનિ.તંત્ર તરફથી વ્યવસ્થાના ભાગરુપે મુકવામાં આવ્યા હતા. મેયર પ્રતિભા જૈનની અઘ્યક્ષતામાં કાર્યક્રમની શરુઆત થઈ ત્યાં સુધી મ્યુનિસિપલ વહીવટી તંત્રના હાજર એવા અધિકારીઓનું ઘ્યાન એ બાબત ઉપર ગયુ નહોતુ કે, હોલમાં માઈક સિસ્ટમની જરુર હોવા છતાં માઈક સિસ્ટમ મુકવામા આવી જ નહતી.
મેયરે મઘ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને બોલાવીને ઠપકો આપ્યા બાદ માઈક સિસ્ટમની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી હતી. અરજદારોને ખુટતા પુરાવા હોય તો અન્ય વિભાગ સાથે સંકલન કરીને સ્થળ ઉપર પ્રશ્નનુ નિરાકરણ લાવવાનું હતું.
આમ છતાં કાર્યક્રમમાં પહોંચેલા અરજદારોને પુરાવા લાવો, જરુરી સુધારા-વધારા કરીને આવો એ પ્રકારના જવાબ આપવામા આવતા લોકો નિરાશ થઈ કામ નહીં થતા કાર્યક્રમનુ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.ચાર ઝોન માટે સંયુક્ત કાર્યક્રમ હોવાછતાં અસારવા વોર્ડ સિવાય અન્ય વિસ્તારના લોકો પહોંચ્યા નહતા.
કેટલાક ટેબલ માત્ર નામ પુરતા રખાયા,અરજદારો અવઢવમાં મુકાયા
સેવાસેતુ કાર્યક્રમમાં કેટલાક ટેબલ તો માત્ર નામ પુરતા રાખવામાં આવતા અરજદારો અવઢવમાં મુકાયા હતા.જન્મના પ્રમાણપત્રમાં સુધારા કરાવવા માટેનુ ટેબલ કયાં રખાયું હતું એ કોઈને ખબર ન હતી. એક ટેબલ ઉપર આરબીડી એવુ બોર્ડ મુકાયું હતું.
ઓછું ભણેલા અરજદારો રજિસ્ટાર બર્થ એન્ડ ડેથનુ અંગ્રેજી શોર્ટફોર્મ સમજી શકયા નહોતા. આવકનો દાખલો મેળવવા કે અન્ય કોઈ કામ માટે નોટરી કરાવવા માટે રાખવામા આવેલા ટેબલ ઉપર સવારના 11.30 કલાક સુધી એક પણ નોટરી હાજર ન હતા.
ભાજપના મોટાભાગના કોર્પોરેટરો ગેરહાજર રહયા
સેવાસેતુ કાર્યક્રમમાં મ્યુનિ.ના મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અમદાવાદ પૂર્વના તમામ ધારાસભ્યો હાજર હતા. મ્યુનિ.શાસકપક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિત ભાજપના મોટાભાગના કોર્પોરેટરો ગેરહાજર હતા.
માત્ર અસારવાના ચાર કોર્પોરેટરો હાજર હતા. બાકીના દરેક વોર્ડમાંથી બે-બે કોર્પોરેટરો હાજર હતા. કાર્યક્રમ પુરો થયાના અડધા કલાકની અંદર તમામ કોર્પોરેટરો ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ તમામ અધિકારીઓ કાર્યક્રમના સ્થળેથી રવાના થઈ ગયા હતા.કોંગ્રેસના ખાડીયા-જમાલપુર અને દાણીલીમડાના ધારાસભ્ય ગેરહાજર હતા.